આવતીકાલે એટલે કે 2 મે, 2023ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. મંગળવારે સવારે 9 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ gseb.org પર પરિણામ જાહેર કરાશે. આ વખતે વિદ્યાર્થીઓ અલગ અલગ માધ્યમ થકી પોતાનું પારિણામ જાણી શકશે. આ વખતે પહેલીવાર ધો. 12 સાયન્સના વિદ્યાર્થી વોટ્સએપ થકી પોતાનું પરિણામ જાણી શકશે.
પહેલીવાર વોટ્સએપ પર પરિણામ જાણી શકાશે
મળતી માહિતી મુજબ, આ વર્ષે રાજ્યમાં પ્રથમ વખત ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ વોટ્સએપ થકી પોતાના મોબાઈલ નંબર પર પરિણામ મેળવી શકશે. શિક્ષણ બોર્ડ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે થકી વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલ પર વોટ્સએપ થકી પરિણામ જાણી શકશે. શિક્ષણ બોર્ડે વોટ્સએપ નંબર 6357300971 જાહેર કર્યો છે જેના પર વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને પરિણામ મેળવી શકે છે.
સવારે 9 કલાકે પરિણામ જાહેર કરાશે
ઉપરાંત, બોર્ડની વેબસાઇટ gseb.org પર પણ પરિણામ જાહેર કરાશે. જણાવી દઈએ કે, ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવતીકાલે સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 14 માર્ચ, 2023થી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પ્રારંભ થઈ હતી, જેમાં રાજ્યભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા આવતી કાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
જાહેર કરાયેલા એક સરકારી પરિપત્ર મુજબ, પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રૂપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્ય, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ આ બાબતોએ નોંધ લેવી.