IPL 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે લડાઇ થઈ હતી. અફઘાનિસ્તાનનો ઝડપી બોલર નવીન-ઉલ-હક પણ કોહલી સાથે બોલાચાલી કરતો કેમેરામાં કેદ થયો હતો. જોકે તે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે. તેણે પાકિસ્તાન સુપર લીગમાં શાહિદ આફ્રિદી અને મોહમ્મદ આમિર સાથે પણ લડાઇ કરી છે. નવીન ઉલ હકની વિરાટ કોહલી સાથેની લડાઇ બાદ તેનો જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે આફ્રિદી અને આમિર સાથે લડાઇ કરતો જોવા મળી રહ્યો છે.
લખનઉ-બેંગ્લોર મેચમાં બીજી ઇનિંગની 17મી ઓવર દરમિયાન વિરાટ કોહલીએ કંઈક બોલ્યા પછી બંન્ને વચ્ચે લડાઇ શરૂ થઈ હતી. આ પછી કોહલી અને અમિત મિશ્રા વચ્ચે વાતચીત પણ થઈ હતી. આરસીબીએ મેચ 18 રનથી જીતી લીધી હતી અને હેન્ડશેક દરમિયાન નવીન-ઉલ-હક અને કોહલી ફરી અથડાયા હતા. બાકીના ખેલાડીઓએ બંનેને અલગ કર્યા. આ પછી કોહલી અને લખનઉના કાયલ મેયર્સ વાત કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર આવ્યો અને મેયર્સને વિરાટથી દૂર લઈ ગયો. આ પછી ગંભીર અને કોહલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અંતે, લખનઉના કેપ્ટન રાહુલ અને વિરાટે લાંબા સમય સુધી વાત કરી. આ ઘટના બાદ કોહલી અને ગંભીરની સમગ્ર મેચ ફી કાપી લેવામાં આવી હતી. નવીન-ઉલ-હકને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
શ્રીલંકા પ્રીમિયર લીગમાં શું થયું?
શ્રીલંકા પ્રીમિયર લીગની છઠ્ઠી મેચમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને અફઘાનિસ્તાનના યુવા ફાસ્ટ બોલર નવીન ઉલ હક વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. આ મેચમાં કેન્ડી ટસ્કર્સે ગાલે ગ્લેડીયેટર્સને 25 રનથી હરાવ્યું હતું. મેચ દરમિયાન નવીન ગ્લેડીયેટર્સના બોલર મોહમ્મદ આમિર સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં મુનાફ પટેલ સહિત ટસ્કર્સના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓએ યુવા અફઘાન બોલરને ઝપાઝપીથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નવીન લડવા માટે તૈયાર હતો. મેચ બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા ત્યારે આફ્રિદી અને નવીન એકબીજાની સામે આવી ગયા હતા. આફ્રિદીએ હસીને નવીનને પૂછ્યું કે તે આમિરને શું કહી રહ્યો છે. જવાબમાં, નવીને ખાસ કરીને અપમાનજનક જવાબ આપ્યો, જેના પછી આફ્રિદી ગુસ્સે થઈ ગયો.