વલસાડના વાપીમાં ભાજપ નેતા પર ફાયરિંગ કરી તેમની હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના બની છે. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે કારમાં શિવ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. દરમિયાન રાતા ગામ નજીક બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ શૈલેષ પટેલ પર અંધાધૂન ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારે ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો
વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા જૂની અંગત અદાવતમાં કરવામાં આવી હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે. જ્યારે બીજી તરફ શૈલેષ પટેલના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપ નેતા શૈલેષ પટેલ આજે સોમવાર હોવાથી સવારે લગભગ 7 વાગ્યે કારમાં પત્ની સાથે રાતા ગામે આવેલા શિવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દરમિયાન જ્યારે તેમના પત્ની મંદિરમાં દર્શન કરી રહ્યા હતા ત્યારે શૈલેષ પટેલ કારમાં જ બેસીને રાહ જોઈ રહ્યા હતા.
બે બાઇક પર 4 શખ્સો આવ્યા અને ફાયરિંગ કર્યું
ત્યારે બે બાઇક પર ચાર અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને શૈલેષ પટેલ કંઈ સમજે તે પહેલા જ અજાણ્યા શખ્સોએ તેમના પર અંધાધૂન ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. ફાયરિંગની આ ઘટનામાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી અને તેઓ કારમાં જ ઢળી પડ્યા હતા. જ્યારે ફાયરિંગ કરનારા ચારેય શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અચાનક ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકોની મદદથી શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
LCB, SOG સહિતની ટીમો કામે લાગી
આ મામલાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ મામલે પોલીસે હુમલાખોરોને પકડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ત્વરિત કાર્યવાહ થાય તે માટે LCB, SOG સહિતની અલગ-અલગ ટીમોને કામે લગાડાઈ છે. હુમલાખોરોને પકડવા માટે ઘટના સ્થળ સહિત નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ શૈલેષ પટેલના પરિવાર અને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શૈલેષ પટેલના પરિવારે ન્યાયની માગ સાથે જ્યાં સુધી હુમલાખોરો પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં શૈલેષ પટેલની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી હોવાની આશંકા છે.