રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક ગુનખોરીની ઘટના સામે આવી રહી છે.ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.જેમાં રાજકોટમાં રેલનગરમાં સાધુ વાસવાણી કુંજરોડ શિવાલી ચોકમાં – અમૃતધારા એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્ણાવતી સ્કુલમાં ધો.૧૧માં અભ્યાસ કરતા બાળકોને તેના પિતાએ વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતાં વધુ વ્યાજ વસૂલવા વ્યાજખોર સહિત ત્રણ શખ્સોએ વિદ્યાર્થીનું અપહરણ કરી સંત કબીર રોડની એક દુકાનમાં ગોંધી રાખી માર માર્યો હતો. જે મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ રેલનગરમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતા હર્ષ ચંદ્રેશભાઇ વ્યાસ નામના યુવાને પોપટપરામાં રહેતા નૈમિષ સોલંકી તેમજ તેની સાથેના કશ્યપ અને કાળુ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. હર્ષના પિતા ચંદ્રેશભાઈ વ્યાસે ૨૦૧૮માં આરોપી પાસેથી રૂા.૮૦ હજાર ૮ ટકા વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહિત કુલ રૂા. ૨.૪૦ લાખ આરોપીને તેણે ૨૦૨૨ સુધીમાં ચુકવી દીધા હતા. તેમ છતાં આરોપી માસિક ૮ ટકા લેખે રૂા.૬ હજારનો હપ્તો ચાલુ રાખવાનું કહેતા તેણે ઈનકાર કરી દીધો હતો. તેમ છતાં આરોપી તેને અવારનવાર ધમકીઓ આપી વ્યાજના હપ્તા શરૂ રાખવાનું દબાણ કરી પઠાણી ઉઘરાણી કરતો હતો. ત્યારબાદ ગઈકાલે હર્ષ તેના ફઈના દીકરી બહેનના લગ્નમાં ગયો હતો. જ્યાં આજે આરોપીએ તેને બોલાવતા તે ત્યાં ગયો હતો. જ્યાંથી આરોપી એક્ટિવામાં તેને લઈ ગયા બાદ પાણીના ટાંકા પાસે બીજા આરોપી કશ્યપને બોલાવતા તે કાર લઈને આવ્યો હતો. જેમાં બંને આરોપીએ હર્ષને બેસાડી દઈ સંત કબીર રોડ પર ઈમીટેશન માર્કેટ ખાતે આવેલી દુકાનમાં લઈ ગયા હતા. જ્યાં ત્રીજો આરોપી કાળુ હાજર હતો. આ ત્રણેય આરોપીઓએ હર્ષને દુકાનમાં ગોંધી રાખી તેને બેટથી માર મારી ઈજાઓ કરી હતી.આરોપીએ હર્ષના પિતાને ફોન પર હર્ષને મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા હર્ષના પિતાએ તેન સોમવાર સુધીમ પૈસા પહોંચાડવાનું જણાવતા આરોપીઓએ હર્ષને મુક્ત કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.