બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ થઈ છે, જેના પર આજે સુનાવણી હાથ ધરાશે. તેજસ્વી યાદવ પર ગુજરાતીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી સમગ્ર ગુજરાતીઓનું અપમાન કર્યું હોવાનો આરોપ છે.
મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદની મેટ્રો કોર્ટમાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ નરોડામાં રહેતા અને સામાજિક કાર્યકર હરેશ મહેતાએ ગુજરાતીઓને ‘ઠગ’ કહેવા બદલ બદનક્ષીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવાયું છે કે તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહી સમગ્ર ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આથી તેમને ખૂબ જ તેમને દુઃખ થયું છે. આ મામલે 1 મેના રોજ ફરિયાદનું નિવેદન લેવામાં આવ્યું હતું. સાથે જ તેજસ્વી યાદવના વીડિયોની સીડી, પેન ડ્રાઈવના પુરાવા અને સર્ટિફિકેટ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સોમવારે આ મામલે મેટ્રો કોર્ટ દ્વારા વધુ સુનાવણી હાથ ધરાશે.
CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવના કેન્દ્ર સરકાર પર પ્રહાર
મીડિયા રિપોર્ટ અનુસાર, તેજસ્વી યાદવ સામે આરોપ છે કે તેમણે સભાન અવસ્થામાં ગુજરાતીઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે તેજસ્વી યાદવ એક નેતા અને જવાબદાર વ્યક્તિ છે. તેમના થકી આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી. સાથે જ તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. સૂત્રો મુજબ, તેજસ્વી યાદવે PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આજે આ દેશમાં ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. બની શકે છે કે ઠગને માફ કરવામાં આવે. એલઆઈસીના રૂપિયા, બેંકના રૂપિયા આપી દો પછી તેઓ લઈને ભાગી જશે તો કોણ જવાબદાર જશે. જણાવી દઈએ કે, CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. આ દરોડા માટે તેમણે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.