બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ શહેર પહોંચ્યા છે. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભક્તો અમદાવાદ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અમદાવાદના એરપોર્ટ પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર પહેરાવી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભક્તોએ સ્વાગત કર્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત કાર્યક્રમને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
અમરાઈવાડીમાં પણ ભવ્ય સ્વાગત કરાયું
મળતી માહિતી મુજબ, ચાર્ટર્ડ પ્લેનથી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ બાગેશ્વર બાબા અમરાઇવાડીમાં યજમાન અને અમરાઈવાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુનગીભાઈના ઘરે પહોંચ્યા હતા, જ્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે લોકોનો હુજુમ જોવા મળ્યો હતો. એરપોર્ટથી અમરાઈવાડી આવતા રસ્તા પર તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અમરાઈવાડીથી તેઓ વટવા જવા રવાના થયા છે.
ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિચોક ખાતે દિવ્ય દરબાર યોજાશે
વટવામાં તેઓ ઠાકુર દેવકીનંદનના નિવાસસ્થાને પહોંચશે અને ત્યાં બપોરનું ભોજન કરશે. ત્યાર બાદ તેઓ શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે. જણાવી દઈએ કે, 26 અને 27 મેના રોજ સુરતમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. ત્યાર બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શક્તિચોક ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાશે. અમદાવાદ બાદ 1 અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાશે. અમદાવાદમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. તેમના દરબારમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે તેને ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. ઉપરાંત, સુરક્ષાને લઈને પણ પોલીસ જવાન, ખાનગી સિક્યોરિટીના જવાનોની તહેનાતી કરાશે.