ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)ની 16મી સીઝન તેના છેલ્લા તબક્કામાં છે. લીગની ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે મેચ પહેલા ટિકિટ માટે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને લોકો ફોન પર ફોન કરી રહ્યા હોય તેમ ખુદ મંત્રીજીએ જાહેર મંચ પર કહ્યું છે. ટિકિટ માટે લોકોના વારંવાર ફોન આવતા મંત્રીજી કંટાળ્યા છે.
ગાંધીનગરમાં હતો ત્યારે ટિકિટ માટે બહુ ફોન આવ્યા: રાઘવજી પટેલ
આજે એટલે કે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ થવા જઈ રહી છે. ત્યારે 28 મેના રોજ મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. જો કે, ફાઇનલ મેચ પહેલા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને લોકોએ ટિકિટ માટે ફોન કરવાનું શરૂ કર્યું હતું. આથી તેઓ ખૂબ જ કંટાળી ગયા હતા. રાજકોટમાં એક જાહેરમંચ પરથી મંત્રીજીએ પોતાની વ્યથા રજૂ કરતા કહ્યું કે, આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે લોકોએ બહુ ફોન કર્યા છે. ફોન કરી કહે છે કે મંત્રીજી ટિકિટનું કઇંક કરાવી આપો. ગાંધીનગરમાં હતો ત્યારે ટિકિટ માટે બહુ ફોન આવ્યા હતા. ટિકિટ માટે વારંવાર ફોન રણક્યો હતો.
આજે મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 મેચ રમાશે
જણાવી દઈએ કે, આજે સાબરમતીના મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 મેચ રમાશે. આ મેચ માટે ટિકિટની કિંમત રૂ. 800થી શરૂ થાય છે. જ્યારે સૌથી મોંઘી ટિકિટના ભાવ રૂ.10 હજાર જેટલા છે. આ ક્વાલિફાયર-2 અને ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે જે ટીમ જીતશે તે 28 મેના રોજ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ રમશે.