વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ છે. મોટેરાથી ગાંધીનગર ફેઝ 2 મેટ્રો રેલનો આરંભ કરતાં પહેલાં વડાપ્રધાન મોદીએ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેની સુવિધાઓ સહિત અન્ય વિસ્તૃત માહિતી મેળવી હતી. મેટ્રો રેલનો આરંભ કરાવી વડાપ્રધાન મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સીટી સુધીની મુસાફરી કરી હતી.
હાલમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરુ કરવામાં આવેલ છે. તેમજ મહાત્મા મંદિર સુધીના રૂટ પરની કામગીરી હાલમાં ચાલુ છે. જેના કારણે આ રૂટ પર ટૂંક સમયમાં મેટ્રો દોડતી જોવા મળશે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેન સવારે 7:20 થી લઇને સાંજના 7:20 કલાક સુધી કાર્યરત રહેશે.
આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી લઈને ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને મુસાફરોને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ સારા પ્રમાણમાં વેગ મળશે.
આ ફેઝ કુલ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે, તેની ટિકિટ માત્ર 35 રૂપિયા છે.
પ્રવાસીઓની સલામતી માટે ઈમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ , પેસેન્જર્સ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ વિગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. તેમજ દિવ્યાંગો માટે પણ મેટ્રોની સુવિધાનો લાભ લઈ શકે તે માટે રેમ્પ અને વ્હીલચેરની સુવિધા આપવામાં આવી છે.