હાટકેશ્વર બ્રિજ કૌભાંડ કેસને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોમાં અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. આગોતરા જામીન રદ થયા બાદ બંને ધરપકડના ડરથી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયા છે.
આગોતરા જામીન રદ થતા હાજર થયા
હાટકેશ્વર બ્રિજ કૌભાંડ કેસમાં અગાઉ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકોએ સેસન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે, તેમની આ અરજી રદ થતા અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલે ખોખરા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રમેશભાઈ ચેરમેન છે ત્યારે તેમના દીકરા ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ ડિરેક્ટર છે તથા અન્ય આરોપી રસિક પટેલ કંપનીમાં ભાગીદાર છે. આ ચારેય આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે. આજે પોલીસ ચારેયને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગે તેવા અહેવાલ છે.
કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરાશે
માહિતી મુજબ, મેડિકલ ટેસ્ટ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. હાટકેશ્વર વિસ્તારમાં આવેલો છત્રપતિ શિવાજી બ્રિજ તેના નિર્માણના થોડા જ મહિનામાં જર્જરિત થયો હતો. આથી બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ, ત્યાર પછી પણ બ્રિજ ફરી જર્જરિત થયો હતો. બ્રિજ પર પોપડા ઉખડવા લાગ્યા હતા. બ્રિજ જોખમી બનતા ફરી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ મામલે વિપક્ષ દ્વારા ભારે હોબાળો થયા બાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. ત્યારે હવે હાટકેશ્વર બ્રિજમાં મોટું કૌભાંડ આચરી ભ્રષ્ટાચાર કરવા માટે જવાબદાર ચારેય આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ વારંવાર જર્જરિત થતા વિપક્ષે રાજ્ય સરકારને ઘેરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.