વડોદરા શહેરના કોઠી ચાર રસ્તાથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર એક કારચાલકે દારૂના નશામાં પૂરઝડપે કાર હંકારી રોડની સાઇડમાં પાર્ક બે જેટલી બાઇકને અડફેટે લીધી હતી. જો કે નશામાં ધૂત કારચાલક વધુ નુકસાન પહોંચાડે તે પહેલા જ સ્થાનિક લોકોએ તેને પકડી મેથીપાક ચખાડ્યો હતો અને ત્યાર બાદ પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કોઠી ચાર રસ્તાથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર મોડી રાતે 1 વાગ્યે એક સ્કોર્પિયો કાર લઈ યુવાન પુરપાટ પસાર થયો હતો. જોતા જોતા યુવાને ત્યાં પાર્ક બે બાઇકને અડફેટે લીધી હતી. આ જોઈ સ્થાનિક લોકોમાં જીવનું જોખમ ઊભું થયું હતું. જો કે, અકસ્માતને પગલે કેટલાક સ્થાનિક લોકોએ કારચાલકને પકડી કારમાંથી બહાર કાઢ્યો હતો. કારચાલક નશામાં હોવાનું જણાતા લોકો રોષે ભરાયા હતા અને કારચાલકને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.
પોલીસે પીધેલા કારચાલકને લોકોથી છોડાવ્યો
આ દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને નશામાં ધૂત કારચાલકને લોકોથી બચાવી ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાં પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે કારચાલકનું નામ રાજુ હુરસિંગ સિંગાડ છે અને તે વડસર બ્રિજ પાસેનો રહેવાસી છે. આ મામલે પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યાવાહી હાથ ધરી હતી.