રાજ્ય સરકાર દ્વારા સ્ત્રીઓને રોજગારી પૂરી પાડીને પગભર બનાવવા માટે તથા સ્ત્રી સશકિતકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM)અને મહિલા ઉત્કર્ષ યોજના આવી જ યોજનાઓ છે. રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓના સમૂહોને નાના નાના ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વ રોજગારી માટે સખી મંડળોની રચના કરવામાં આવે છે, જેમને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ રીતે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે.
અમદાવાદના સાણંદ તાલુકાના વીંછિયા ગામનું આસ્થા સખી મંડળ આવું જ એક મંડળ છે. 10 બહેનોનું આ સખી મંડળ જૂથ બચત કરે છે અને ભરત ગૂંથણને લગતી કામગીરી સાથે સંકળાયેલું છે. રાજ્ય સરકાર દ્વારા જૂથની બચતના ત્રણ માસ બાદ ₹10,000 રિવોલ્વિંગ ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાંથી આંતરિક ધિરાણ લઈને સખી મંડળની બહેનો તોરણ અને ટોડલાનું ભરત ગૂંથણનું કામ કરે છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મંડળને ₹1,00,000 વગર વ્યાજની લોન મળેલ છે.
આસ્થા સખી મંડળ ચલાવતા અલકાબેન જણાવે છે કે, 10 મહિલાઓનું અમારું જૂથ ભરત ગૂંથણના કામ દ્વારા સ્વ-રોજગારી મેળવે છે. આ કાર્યમાં અમને રાજ્ય સરકાર દ્વારા સહાય મળે છે તથા NRLM દ્વારા પણ જરૂરી માર્ગદર્શન મળી રહે છે. અમારા ઉત્પાદનો અમે બાળમેળા જેવા જાહેર કાર્યક્રમોમાં વેચાણ કરીને રોજગારી મેળવીએ છીએ.