છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં મહિલા કુસ્તીબાજો ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ સિંહ પર કેટલીક મહિલા પહેલવાનોએ જાતિય સતામણીના આરોપ લગાવ્યા છે. કુસ્તીબાજોનું આ વિરોધ પ્રદર્શન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દેશમાં કેટલાક લોકો તેમનો સપોર્ટ કરી રહ્યો છે તો કેટલાક આ પાછળ રાજનીતિ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા કુસ્તીબાજોના સમર્થનમાં બ્લેક રૂમાલ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
‘ભાજપ મહિલા મોરચાની બહેનો શૂર્પણખા બની બેઠી છે’
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે ભાજપના મહિલા મોરચા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ અન્યાય વચ્ચે પણ BJPની મહિલાઓ શૂર્પણખા બની બેઠી છે.’ તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં દેશની પહેલવાન દીકરીઓ ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે, જે વાતનું આમ આદમી પાર્ટીને દુ:ખ છે. આજે પહેલવાનો ત્યાં સુધી પહોંચ્યો છે કે પોતાની આકરી મહેનતથી દેશ માટે કમાયેલા મેડલને પણ મા ગંગા નદીમાં પધરાવવા માટે તેઓ મજબૂર થયાં છે.
મહિલા પહેલવાનોને જલ્દી ન્યાય મળે તેવી માગ
રેશમા પટેલે આગળ કહ્યું કે, ભાજપના મહિલા મોરચાની બહેનો મોઢામાં મગ ભરીને બેઠી છે. આ મામલે ભાજપ મહિલા મોરચાની બહેનો જે એક પણ શબ્દ નથી બોલી રહી ત્યારે એવું દ્રશ્ય સર્જાય છે કે તેઓ શૂરપંખાનું કાર્ય કરી રહી છે. રેશમા પટેલે કહ્યું કે, આપ પાર્ટી સમગ્ર રાજ્યમાં મહિલાઓ પાસેથી સમર્થન મેળવી આ વિરોધ પ્રદર્શનને વધુ પ્રબળ બનાવશે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી પીએમ મોદીને બ્લેક રૂમાલ આપી આવેદન આપશે અને આ મામલે મહિલા પહેલવાનોને જલ્દી ન્યાય મળે તેવી માગ કરશે. તેમણે કહ્યું કે, અમે કેજરીવાલના સૈનિકો ક્યારેય ચૂપ નહીં રહીએ અને તમામ દીકરીઓને ન્યાય અપાવવા મદદ કરીશું.