ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક શ્રમયોગીઓ ભારત સરકારના ‘ગ્રીન ઇન્ડિયા’ મિશનમાં ભાગીદાર બને અને પર્યાવરણના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં કાર્યરત થાય તેવા હેતુથી બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે સબસીડી આપવા અંગે ગો-ગ્રીન યોજનાની શરૂઆત કરી હતી.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા સુરેશભાઈ પ્રજાપતિ આ યોજનાના લાભાર્થી બન્યા છે.
સુરેશભાઈ પ્રજાપતિ મૂળ તો અમદાવાદના રહેવાસી છે અને કડિયાકામ સાથે સંકળાયેલા છે. સુરેશભાઈને ગુજરાત સરકારની ગો – ગ્રીન યોજના વિશે જાણ થતા તેમણે આ યોજનાનું ફોર્મ ભર્યું અને રાજ્ય સરકાર દ્વારા તેઓને સબસીડી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ મેળવી તેમણે ઈલેક્ટ્રિક બાઈક ખરીદી છે.
આ સંદર્ભે સુરેશભાઈ પ્રજાપતિ જણાવે છે કે, હું પહેલા પેટ્રોલવાળી બાઇક ચલાવતો હતો જેનાથી હવામાં પ્રદૂષણતો ફેલાતું હતું જ સાથે સાથે દરરોજ રૂપિયા ૧૦૦નો ખર્ચ પણ થતો હતો અને જે માસિક કુલ રૂપિયા ૩૦૦૦ સુધી પહોંચી જતો હતો, જે મારા માટે ખૂબ જ ખર્ચાળ કહી શકાય, કારણકે, કડિયાકામમાંથી પ્રાપ્ત મહેનતાણાના અડધા ભાગના રૂપિયા પેટ્રોલમાં ખર્ચ થઈ જતા હતા.
સુરેશભાઈ વધુમાં જણાવે છે કે ગો – ગ્રીન યોજનાની જાણ થતા ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા માટે મેં ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જેથી ગુજરાત રાજ્ય સરકાર તરફથી કુલ રૂપિયા ૩૫,૦૦૦ની સબસીડી મળી હતી, તેમ તેઓ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગો – ગ્રીન યોજના થકી મળેલ સબસીડીથી રૂપિયા ૧,૦૫,૦૦૦ની ઈલેક્ટ્રિક બાઈક ફક્ત રૂપિયા ૭૦,૦૦૦માં પ્રાપ્ત થઈ શકી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઈલેક્ટ્રિક બાઈકથી મારા જીવનધોરણમાં સુધારો આવ્યો છે. પહેલા પેટ્રોલવાળી બાઈકમાં દરરોજ જે રૂપિયા ૧૦૦નો ખર્ચ થતો હતો તેની જગ્યાએ ઈલેક્ટ્રિક બાઈક ચલાવવાથી મને દરરોજ રૂપિયા ૭૦ સુધીનો નફો થયો છે. જેથી મહિને કુલ રૂપિયા ૨૦૦૦થી વધુની બચત હું કરી શકું છું આ બચત કરેલ રકમમાંથી બાળકોના ભણવાનો સ્ટેશનરી ખર્ચ, તથા ઘરખર્ચ જેવો કે દૂધ અને શાકભાજીના રૂપિયા સરળતાથી ખર્ચ કરી શકાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સુરેશભાઈએ પર્યાવરણ રક્ષણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ ઈલેક્ટ્રિક બાઈક ચલાવવાથી વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનનો ઘટાડો થાય છે. સાથે જ ઈલેક્ટ્રિક બાઈકમાં એક યુનિટ ₹૮ માં વપરાય છે અને ૪ યુનિટમાં ૧૦૦ કિલોમીટર જેટલી મુસાફરી કરી હું કડિયાકામ માટે એક સ્થળેથી અન્ય સ્થળે ખૂબ જ સરળતાથી પહોંચી શકું છું અને કડિયાકામનો સામાન પણ આ બાઈક પર હું સરળતાથી મૂકી શકું છું, તેમ તેમણે જણાવ્યું હતું.
ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર માનતા સુરેશભાઈ કહે છે કે, હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ જ આભારી છું કે તેઓએ માટે આવી યોજનાની શરૂઆત કરી છે. આવી યોજનાઓ થકી શ્રમિકોની સમસ્યાઓ સુધરશે. સરકારના પર્યાવરણ પ્રત્યેના આ સકારાત્મક પગલાથી અમારા જેવા શ્રમિકોને ફાયદો થઈ રહ્યો છે.