મોટાભાગના ગ્રાહકોને બેંકમાં બચત ખાતા પર કેટલું વ્યાજ મળે છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે તેની જાણ હોતી નથી. જો કે, એ વાત જરૂર જાણતા હશો કે, તેમને વાર્ષિક 3 ટકા વ્યાજ મળી રહ્યું છે, પરંતુ તેની ગણતરી કેવી રીતે થાય છે કારણ કે ખાતામાં રૂપિયા ઓછા વધતા રહે છે. ચાલો તમને જણાવીએ કે, બેંક સેવિંગ એકાઉન્ટ પર વ્યાજની ગણતરી કેવી રીતે કરવી.
બેંકમાં બચત ખાતું હોવું સામાન્ય બાબત છે, કારણ કે વ્યક્તિ રૂપિયાની સલામતી માટે બચત ખાતા દ્વારા તેને જમા કરાવે છે. કારણ કે બચત ખાતામાં એફડી (FD) અથવા અન્ય બચત યોજના જેવી કોઈ પ્રતિબંધ અથવા મેચ્યોરિટી સમયગાળો નથી. તેથી, તમે જ્યારે ઇચ્છો ત્યારે ખાતામાંથી રૂપિયા જમા અને ઉપાડી શકો છો. બેંક બચત ખાતામાં સરળ વ્યાજ આપે છે.
સામાન્ય રીતે બેંકમાં ખોલવામાં આવેલા બચત ખાતા પર 3 ટકા સુધીનું વ્યાજ મળે છે. જો કે, કેટલીક પ્રાઈવેટ અને સ્મોલ ફાઇનાન્સ બેંકો બચત ખાતા પર 7% સુધી વ્યાજ ઓફર કરે છે. જો કે, તે જમા રકમની મર્યાદા પર આધાર રાખે છે.
એફડી અથવા અન્ય બચત યોજનાઓમાં રૂપિયા એકસાથે અને નિયમિત રીતે જમા કરવામાં આવતા હોવાથી, ગ્રાહકોને આ યોજનાઓ પર મળતા વ્યાજની જાણ હોય છે, પરંતુ જો બચત ખાતામાંથી રોજેરોજ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવે છે, તો તેના પર વ્યાજ કેવી રીતે ઉમેરાય છે. .
મોટાભાગના ગ્રાહકોને ખબર નથી હોતી કે તેમના બચત ખાતામાં રાખેલા રૂપિયા પર વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે. આરબીઆઈના નિયમો મુજબ, બેંકો બચત ખાતા પરના વ્યાજની દૈનિક ધોરણે ગણતરી કરે છે, કેટલીક બેંકો તેની ત્રિમાસિક અને કેટલીક અર્ધવાર્ષિક ગણતરી કરે છે. દર વખતે પાસબુકમાં વ્યાજ દેખાવા લાગે છે.
મોટાભાગની બેંકોની વેબસાઇટ પર સેવિંગ્સ એકાઉન્ટ કેલ્ક્યુલેટર ઉપલબ્ધ હોય છે, જ્યાં તમે જરૂરી માહિતી દાખલ કરીને વ્યાજની ગણતરી કરી શકો છો. જો કે, આમાં તમે માત્ર એ જ જાણી શકશો કે એક વર્ષમાં નક્કી કરેલી રકમ પર કેટલું વ્યાજ મળશે. કારણ કે બચત ખાતામાં રૂપિયા ઓછા અને વધુ આવતા રહે છે. તે કિસ્સામાં, વ્યાજની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
ધારો કે તમારું બેંકમાં બચત ખાતું છે અને તેમાં 2 લાખ રૂપિયા જમા છે. બેંક બચત ખાતા પર વાર્ષિક 4 ટકા વ્યાજ ચૂકવે છે, તેથી વાર્ષિક વ્યાજ 8,000 રૂપિયા થાય છે. જો તમે 365 દિવસના વ્યાજની આ રકમની ગણતરી કરો તો દૈનિક વ્યાજ 21.91 રૂપિયા થશે.
આ રીતે માસિક વ્યાજ 666 રૂપિયા થાય છે. જો તમે 2 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો, તો બાકીના 1 લાખ રૂપિયા પર દૈનિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવશે. ત્યાર બાદ, માસિક અથવા ત્રિમાસિક ધોરણે બચત ખાતામાં વ્યાજ જમા થાય છે.
તમામ સરકારી અને ખાનગી બેંકોમાં વ્યાજ દર અલગ અલગ હોય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ (SBI) 2.7 ટકા વ્યાજ ચૂકવે છે, જ્યારે ખાનગી ક્ષેત્રની દિગ્ગજ HDFC બેંક બચત ખાતા પર 3.5 ટકા વ્યાજ ચૂકવે છે.