13 ભારતની પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને દેશની પ્રથમ ફાયનાન્શિયલ ટેક સિટી તરીકે વિખ્યાત GIFT સિટી પહેલી વખત આંતરરાષ્ટ્રીય ચર્ચાનું પ્લેટફોર્મ બનવા જઇ રહ્યું છે.
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત ગુજરાતમાં ફાયનાન્સ અને સેન્ટ્રલ બેન્કના ઉપ પ્રમુખોની ત્રીજી બેઠક આયોજિત થવા જઇ રહી છે. આ બેઠકના એક ભાગ તરીકે
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ એટ GIFT સિટી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં G20 દેશોના મુખ્ય પ્રતિનિધિઓ, નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરો સામેલ થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
GIFT એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એ ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) સાથેનું બહુવિધ-સેવા વિશેષ આર્થિક ક્ષેત્ર છે. IFSC એ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વિશ્વ માટે, એક નાણાકીય અને ટેક્નોલોજી સેવાઓના એકીકૃત કેન્દ્ર તરીકે GIFT સિટીમાં સ્થિત છે.
GIFT સિટીમાં ‘GIFT NIFTY’ ના આગમનને કારણે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા
SGX નિફ્ટી ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટી ઇન્ડેક્સ પર આધારિત છે અને ભારત અને સિંગાપોરના મૂડી બજારોને જોડતી પ્રથમ ક્રોસ બોર્ડર (આંતરરાષ્ટ્રીય) પહેલ છે. સિંગાપોર એક્સચેન્જ (SGX) પરથી ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઓફ NSE (NSE IX)ના ટ્રાન્સફર સાથે, તેનું નામ GIFT નિફ્ટી રાખવામાં આવ્યું છે.
SGX નિફ્ટીમાં શિફ્ટ થવાની સાથે જ, અંદાજે $7.5 બિલિયનન મૂલ્યના ડિનોમિનેટેડ કોન્ટ્રાક્ટના ટ્રેડ્સ પણ હવે સીધા ગુજરાતના GIFT સિટીમાંથી હાથ ધરવામાં આવે છે. આ ટ્રેડની વિદેશી તેમજ ભારતની નાણાકીય સંસ્થાઓ અને ભારતીય અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે. ગુજરાતની આ સિદ્ધિ G20 બેઠક દરમિયાન GIFT સિટીની મુલાકાત લેનારા G20 દેશોના પ્રતિનિધિઓમાં ચર્ચાનો વિષય બની રહી છે.
ગુજરાતનું GIFT સિટી અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે
ભારતને વૈશ્વિક નાણાકીય હબ તરીકે સ્થાપિત કરવાના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ GIFT સિટીની સ્થાપના અને વિકાસ કરવામાં આવ્યો છે. વર્તમાનમાં GIFT સિટીમાં દ્યણી પ્રમુખ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવેલી છે. તેમાં IFSC એરિયામાં ૩૫ ફિનટેક એન્ટીટીઝ, ૨ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સ્ચેન્જ, ૧ મલ્ટીલેટરલ બેન્ક, ૧ બુલિયન એક્સ્ચેન્જ, ૨૩ ઇન્ટરનેશનલ બેન્કિંગ કેન્દ્રો, ૬૩ ફન્ડ મેનેજમેન્ટ, ૨૪ એરક્રાફ્ટ લિઝીંગ અને ફાયનાન્સિંગ એન્ટીટીઝ, અને ૬૪ આનુષંગિક સેવાઓ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, વર્તમાનમાં GIFT સિટીમાં એવરેજ દૈનિક ટ્રેડિંગ વોલ્યૂમ US $30.6 બિલિયન અને ક્યૂમ્યુલેટિવ એસેટ સાઇઝ US $36.5 બિલિયન છે. GIFT સિટી એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પૈકી એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર GIFT સિટીને દેશ અને વિશ્વ સમક્ષ એક એવા ફાયનાન્શિયલ વર્ક કલ્ચરવાળા કોમર્શિયલ એરિયા તરીકે તૈયાર કરી રહી છે, જે લીડિંગ ગ્લોબલ ફાયનાન્શિયલ હબ્સની સમકક્ષ છે અને તે વધુ અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરી શકે છે.
ગુજરાત સરકારને આશા છે કે G20 અંતર્ગત આયોજિત થનારી બેઠકના લીધે, GIFT સિટીની આ વિશેષતાઓ જે તે દેશોના પ્રતિનિધિઓને તેમની ફાઇનાન્શિયલ ટ્રેડિંગની પ્રવૃત્તિઓને ગુજરાતમાં શિફ્ટ કરવા માટે આકર્ષિત કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું બ્રેન ચાઇલ્ડ GIFT સિટી આજે એક રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ બની ગયો છે, અને જેમ-જેમ દેશ એક વિકસિત રાષ્ટ્ર બનવાના સપનાને સાકાર કરવા તરફ અગ્રેસર થઇ રહ્યો છે, તે ભારતની વિકાસ ગાથાનું એક અભિન્ન અંગ બની રહ્યો છે.