અમદાવાદના મીઠાખળી ગામમાં આવેલી એક પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં બે મજૂરોને ઇજાઓ થઈ છે. મનપા દ્વારા જર્જરિત મકાન તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અકાએક મકાન ધરાશાયી થયું હતું, જેમાં બે મજૂર દટાયા હતા. બંને મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
મંગળવારે સવારે મનપા દ્વારા મીઠાખળી ગામમાં 80 વર્ષ જૂનું એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે અચાનક મકાનની છત ધરાશાયી થતા આખું મકાન પડ્યું હતું. આ દુર્ઘટનામાં બે મજૂર કાટમાળમાં દટાયા હતા. જો કે, તેમણે ત્વરિત બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે હાલ મનપાની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.
અગાઉ ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મીઠાખળી ગામમાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 2 વર્ષની બાળકી સહિત આખો પરિવાર દટાયો હતો. જો કે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સતત 30 મિનિટની શોધખોળ બાદ પરિવારના તમામ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, આ દુર્ઘટનામાં પરિવારના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.