શેરબજારમાં ચાલી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે. સેન્સેક્સ 670 પોઈન્ટ ઘટીને 66,901 પર અને નિફ્ટી 172 પોઈન્ટ ઘટીને 19,806 પર પહોંચી ગયો છે. શેરબજારમાં આજે સાંજ સુધી સતત ઘટાડો જોવા મળી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે નિફ્ટી-50 19,800ના સ્તર સુધી જઈ શકે છે, જ્યારે સેન્સેક્સ 67,000ના સ્તરે પહોંચી શકે છે. ગઈ કાલે સવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે બજારમાં નબળાઈ જોવા મળી હતી, પરંતુ થોડા જ સમયમાં બજારે તેને રિકવર કરી લીધું હતું. ગઈકાલે ભારતીય શેરબજારે તમામ આગાહીઓને ઠુકરાવીને ઈતિહાસ રચ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા દિવસે તેજી સાથે બંધ થયા છે. આ સાથે પ્રથમ વખત નિફ્ટી-50 136.40 પોઈન્ટના વધારા સાથે 19,969.55 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, સેન્સેક્સ પણ 474.46 પોઈન્ટ વધીને 67,571.90 પોઈન્ટની લાઈફ હાઈ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરો પર નજર કરીએ તો 30 માંથી 20 શેર વધ્યા અને 10 ઘટ્યા. સૌથી મોટો ઉછાળો ITCના શેરમાં જોવા મળ્યો હતો. આ સિવાય બેન્કિંગ અને ફાર્મા શેરોમાં પણ સારી તેજી જોવા મળી છે.
શેરબજારમાં ગઈ કાલે સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી
ગઈકાલે બંને શેર સૂચકાંકોમાં તેજીનું સતત છઠ્ઠું ટ્રેડિંગ સત્ર હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ તેમના સર્વોચ્ચ સ્તરના ઘણા નવા શિખરોને સ્પર્શ્યા છે. સેન્સેક્સ પેકમાં ITC ત્રણ ટકા વધ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સન ફાર્માસ્યુટિકલ, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેરમાં પણ વધારો નોંધાયો હતો. બીજી તરફ ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક્નોલોજીસ, બજાજ ફિનસર્વ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને વિપ્રોમાં ઘટાડો નોંધાયો હતો.
વિદેશી રોકાણકારો તરફ સતત રોકાણ
શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ તેમની ખરીદીની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. તેમણે બુધવારે રૂ. 1,165.47 કરોડના શેર ખરીદ્યા હતા. એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઘટીને બંધ રહ્યો હતો. જોકે, યુરોપિયન બજારોમાં તેજી સાથે કારોબાર થયો હતો. બુધવારે પણ અમેરિકન બજારોમાં તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.13 ટકા વધીને USD 79.56 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.