બુલેટ ટ્રેનનું કામ ગુજરાતમાં તેજ ગતિથી ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના પીલર બનાવવાથી લઈને વાયડક્ટને જોડવાની પ્રક્રીયા ઝડપી બની છે.
દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્રણ રાજ્યોમાંથી પસાર થતા આ પ્રોજેક્ટના 352 કિલોમીટરના કોરિડોરમાં વાયડક્ટ સુધીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અન્ય કામ પણ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં આવતા સુરત, આણંદ, બીલીમોરા અને અમદાવાદ સ્ટેશનનું કામ પણ તેજ ગતિએ પૂર્ણ થઈ રહ્યું છે. સુરત અને આણંદ સ્ટેશનનું કામ કોન્કોર્સ સુધી પૂર્ણ કરવામાં આવ્યું છે.
બુલેટ ટ્રેન દ્વારા પ્રોજેક્ટ સાથે જોડાયેલ સાબરમતી મલ્ટી મોડલ હબનું કામ પૂર્ણ થયું છે. થોડા દિવસો પહેલા જાપાનના એક પ્રતિનિધિ મંડળે તેની મુલાકાત લીધી હતી અને બુલેટ ટ્રેનની પ્રગતિ જોઈ હતી. વલસાડમા થાંભલાના નિર્માણ બાદ ટ્રેક બેસાડવામાં આવી રહ્યો છે.
અમદાવાદના સાબરમતી સ્ટેશન પર વાયડક્ટનું કામ ચાલી રહ્યું છે. આણંદ જિલ્લામાં મહી નદી પાસે પુલનું કામ આગળ વધી રહ્યું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ દેખાઈ રહ્યું છે. આણંદ નજીકના મોટા ભાગમાં વાયડક્ટ લગાવવામાં આવ્યા છે. અમદાવાદમાં થાંભલાઓ બાંધ્યા બાદ વાયાડક્ટને જોડવાનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંબંધિત તમામ સિવિલ વર્ક્સ માટેના એમઓયુ પૂર્ણ થઈ ગયા છે.