રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરવાના નિવેદન પર પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. પાકિસ્તાને રક્ષા મંત્રી રાજનાથ સિંહની એ ટિપ્પણીની નિંદા કરી છે કે ભારત પોતાનું સન્માન અને ગૌરવ જાળવી રાખવા માટે નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરવા માટે તૈયાર છે. પાકિસ્તાને કહ્યું કે “યુદ્ધ ઉશ્કેરતી નિવેદનબાજી” પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે. 24મા કારગિલ વિજય દિવસના અવસરે બુધવારે લદ્દાખના દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલમાં પોતાના સંબોધનમાં સિંહે કહ્યું હતું કે દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાના રક્ષણમાં કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
રક્ષા મંત્રીએ કહ્યું હતું કે દેશનું સન્માન અને ગરિમા જાળવવા માટે અમે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. જો આના માટે એલઓસી પાર કરવાની જરૂર હોય તો અમે તે કરવા પણ તૈયાર છીએ. જો અમને ઉશ્કેરવામાં આવશે અને જરૂર પડશે તો અમે LoC પાર કરી જઈશું.” તેમણે કહ્યું હતું, “કારગિલ યુદ્ધ ભારત પર થોપવામાં આવ્યું હતું. તે સમયે ભારત પાકિસ્તાન સાથેના મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પાકિસ્તાને અમારી પીઠમાં ચાકુ માર્યું હતું.” તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોને “રાષ્ટ્રના દુશ્મનો” ને ખતમ કરવા માટે ખુલી છૂટ આપવામાં આવી છે.
પાકિસ્તાને આ જવાબ આપ્યો
રક્ષા મંત્રીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, ઇસ્લામાબાદમાં વિદેશ કાર્યાલયે કહ્યું કે પાકિસ્તાન કોઈપણ આક્રમણ સામે પોતાનો બચાવ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, “અમે ભારતને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપીએ છીએ, કારણ કે તેની આક્રમક નિવેદનબાજી પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે અને દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક વાતાવરણને અસ્થિર કરે છે.” તેણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે ભારતના નેતાઓ અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિશે “અત્યંત બેજવાબદાર” ટિપ્પણી કરી હોય.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી થતા સીમાપાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ રહ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે 5 ઓગસ્ટ, 2019 ના રોજ બંધારણની કલમ 370 નાબૂદ કરીને, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરીને અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થઈ ગયા.