ગુજરાત સાયન્સ સિટી ખાતે એપ ડેવલપર્સ માટેના ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમ કનેક્ટ વિથ ગૂગલનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો. ગુજરાતના એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવા માટે અને કૌશલ્ય નિર્માણના હેતુથી ગુજરાત સરકારના સહયોગથી ગૂગલ દ્વારા આ ખાસ ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા કાર્યક્રમમાં આશરે 500 જેટલા એપ ડેવલપર્સ ભાગ લેવાના છે.
અત્રે નોંધનીય છે કે,કનેક્ટ વિથ ગૂગલ કાર્યક્રમમાં એક સફળ એપ બિઝનેસનું કઈ રીતે નિર્માણ કરવું તે અંગેના મુખ્ય પાસાંઓ અંગે એપ ડેવલપર્સને શિક્ષણ અને તાલીમ
આપવામાં આવશે. એપ ડેવલપર્સને કઈ રીતે હાઈ ક્વોલિટીની એપ બનાવવી અને તેને ગૂગલ પ્લે સ્ટોર પર લોન્ચ કરવી તથા એપ્લિકેશનના યુઝર કઈ રીતે વધારવા તે અંગે તેમજ
મોનેટાઈઝની નીતિઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગૂગલના નિષ્ણાતો, પ્રખ્યાત એપ્લિકેશનના નિર્માતાઓ તેમજ એપ- બિઝનેસ સાથે સંકળાયેલા નિષ્ણાતો દ્વારા સહભાગી થયેલા એપ ડેવલપર્સને શિક્ષણ અને
તાલીમ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કનેક્ટ વિથ ગૂગલ શ્રેણીનો આ બીજો કાર્યક્રમ છે. આ પહેલાં ગત માર્ચ મહિનામાં પ્રથમ કાર્યક્રમનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાયન્સ અને ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ ઉપક્રમ અંગે ગૂગલ અને સાયન્સ સિટીની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે સાયન્સ
સિટી તેના સાયન્સ અને ટેકનોલોજી આધારિત રસપ્રદ ઉપક્રમોના લીધે ખૂબ જ લોકપ્રિય બની છે. રોજના 3થી 5 હજાર મુલાકાતીઓ સાયન્સ સિટી કેમ્પસની મુલાકાત લઈને દેશની સૌથી મોટી એકવાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક સહિતના ઉપક્રમોની મુલાકાત લઈ રહ્યાં છે. આગામી દિવસોમાં મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત અન્ય રસપ્રદ ઉપક્રમો સાયન્સ સિટી ખાતે ઉપલબ્ધ બનશે.
વધુમાં વાત કરતાં વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સાયન્સ સિટીને દેશનું સૌથી મોટું સાયન્સ પાર્ક બનાવવાનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે. આજે
ગુજરાત સાયન્સ સિટી તેના વાઇબ્રન્ટ કેમ્પસ અને અનેકવિધ માહિતીસભર સાયન્સ અને ટેકનોલોજી આધારિત ઉપક્રમોને લીધે સાયન્સ પોપ્યુલરાઈઝેશન ક્ષેત્રે દેશના જાણીતા
સેન્ટરોમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે.
સાયન્સ સિટી આજે અનેકવિધ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓ સાથે સંકલન કરીને સાયન્સ અને ટેકનોલોજીની આધુનિક પદ્ધતિઓના માર્ગદર્શન અને પ્રચાર-પ્રસાર સાથે લોકોને
જોડવાનું ભગીરથ કામ કરી રહી છે. ઈસરો, આઇઆઇટી ગાંધીનગર, ગૂગલ જેવી ઘણી સંસ્થાઓ સાથે સંકલન સાધીને સાયન્સ સિટી અવનવા કાર્યક્રમો યોજતી રહે છે, જેના લીધે
સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે જનભાગીદારી અને જાગૃતિ વધી રહી છે.