કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ વતી ગૌરવ ગોગોઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી છે. ચર્ચાની શરૂઆતમાં તેમણે અલગ-અલગ મુદ્દાઓ અંગે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૌરવ ગોગોઈ જણાવ્યું કે અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા મજબૂર છીએ.
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી. તેમણે કહ્યું, અમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી છે. આ પ્રસ્તાવ ક્યારેય સંખ્યા વિશે ન હતો પરંતુ મણિપુર માટે ન્યાય વિશે હતો. હું પ્રસ્તાવ રજૂ કરું છું કે આ ગૃહ સરકારમાં અવિશ્વાસ વ્યક્ત કરે છે.
મણિપુર માટે I.N.D.I.A.આ પ્રસ્તાવ લાવ્યું છે. મણિપુર ન્યાય માંગે છે.”PMએ ન બોલવાનું વ્રત લીધેલું છે
આ ઉપરાંત તેમણે કહ્યું કે વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી, તેમના માટે અમારી પાસે ત્રણ પ્રશ્નો છે
1, કે તેઓ આજ સુધી મણિપુર કેમ નથી ગયા ?
2. આખરે મણિપુર વિશે બોલવામાં લગભગ 80 દિવસ કેમ લાગ્યા અને જ્યારે તેઓ બોલ્યા તો માત્ર 30 સેકન્ડ માટે ?
3.વડાપ્રધાને મણિપુરના મુખ્યમંત્રીને હજુ સુધી કેમ બરખાસ્ત કર્યા નથી ?
ડબલ એન્જિન સરકાર નિષ્ફળ ગઈ
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આગળ બોલતાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે વડા પ્રધાને સ્વીકારવું પડશે કે મણિપુરમાં તેમની ડબલ એન્જિન સરકાર નિષ્ફળ ગઈ છે. તેથી જ મણિપુરમાં 150 લોકોના મોત થયા, લગભગ 5000 ઘર સળગાવી દેવાયા, લગભગ 60,000 લોકો રાહત શિબિરોમાં છે અને લગભગ 6500 FIR નોંધવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી, જેમણે સંવાદ, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનાવવું જોઈતું હતું, તેમણે છેલ્લાં 2-3 દિવસમાં ઉશ્કેરણીજનક પગલાં લીધાં છે જેના કારણે સમાજમાં તંગદિલી સર્જાઈ છે.
ગૌરવ ગોગોઈએ વધુમાં કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી અને વિપક્ષના નેતા મણિપુર ગયા તો વડાપ્રધાન ત્યાંની સ્થિતિ સમજવા માટે કેમ અત્યાર સુધી ત્યાં ગયા નથી ?
અન્યાય ક્યાંય પણ થઈ શકે છે. મણિપુર સળગી રહ્યું છે તો તેનો અર્થ ભારત સળગી રહ્યું છે. મણિપુરનું વિભાજન થાય તો તે ભારતનું પણ વિભાજન છે. દેશના વડા હોવાથી વડાપ્રધાને ગૃહમાં આવીને જવાબ આપવો જોઈએ. લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ. આ અમારી અપેક્ષા હતી. પરંતુ કમનસીબે આવું કંઈ થયું નથી.