માતૃભૂમિને વંદન તથા માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહીદ થયેલા વીરોને નમન કરી શ્રદ્ધાંજલિ આપવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી, મારો
દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી ગ્રામ્ય અને તાલુકા સ્તરે વિવિધ કાર્યક્રમો યોજી વીર શહીદોને યાદ કરવામાં આવશે.
મારી માટી, મારો દેશ મહાઅભિયાન અંતર્ગત દરેક ગામે સ્થાનિક કક્ષાએ પાંચ કાર્યક્રમો યોજાવાના છે. જેમાંનો એક કાર્યક્રમ છે માભોમને હરિયાળી બનાવવાનો વસુધા વંદન કાર્યક્રમ.
વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત દીઠ 75 વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના તમામ 469 ગામોમાં
વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે.
તમામ ગામ ખાતે 75 જેટલા રોપાઓ વાવવા તેમજ તેની જાળવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગ સાથે સંકલન કરાયું છે. આ વૃક્ષો ગામમાં આવેલ પ્રાથમિક શાળા, અમૃત સરોવર, પંચાયત, મંદિરના પ્રાંગણ અને ગામ તળાવ ખાતે ઉછેરવામાં આવશે.
જિલ્લાના તમામ 469 ગામોમાં તા. 9થી 11 ઓગસ્ટ દરમિયાન વસુધા વંદન કાર્યક્રમ યોજાશે, જેમાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, આમંત્રિત મહેમાનો તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે દરેક ગામમાં વૃક્ષો વવાશે.
અત્રે, ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે આ ઉજવણી અંતર્ગત માભોમને વધું હરિયાળું બનાવવા દેશની દરેક એટલે કે 2.5 લાખથી પણ વધુ ગ્રામ પંચાયતોમાં પંચાયત દીઠ 75 રોપાઓનું વાવેતર કરી તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.
માતૃભૂમિને સુજલામ-સુફલામ બનાવી રાખવાની જવાબદારી સૌ નાગરિકોની છે ત્યારે વસુધા વંદન અંતર્ગત દરેક ગામમાં 75 વૃક્ષો ઉછેરવાનો ઉપક્રમ નક્કી કરાયો છે. સમગ્ર વિશ્વમાં
જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારો સર્જાઈ રહ્યા છે, ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં આ કાર્યક્રમને કારણે ઘણી હકારાત્મક પર્યાવરણીય અસર પેદા થશે.