હાટકેશ્વર બ્રિજના મામલે પોલીસ ફરીયાદના આધારે એક પછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેકનિકલ સુપરવાઈઝરની ધરપકડ આ મામલે કરવામાં આવી છે પરંતું મોટા કૌભાંડીઓની ધરપકડ ક્યારે કરવામાં આવશે. તે પણ એક સવાલ છે.
ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે એએમસીના નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું મોટા કૌભાંડીઓને છાવરવામાં આવી રહ્યા છે. ટેકનિકલ સુપરવાઈઝરની ધરપકડ બાદ એક દિવસના રીમાન્ડ પણ મંજૂર કરાયા છે. મોટી માછલીઓ છૂટી જાય છે અને નાની માછલીઓ ફસાઈ જાય છે તેવો ઘાટ પણ ક્યાંકને ક્યાંક જોવા મળતો હોય છે.
કોર્ટે ટકોર કરી હતી અને કાર્યવાહી કેમ નથી થઈ તે મામલે સવાલો કર્યા હતા ત્યારે કાર્યવાહી બતાવવા માટે શું આ રીતે નાના કર્મચારીઓને પકડવામાં આવી રહ્યા છે. ખરા અર્થમાં જાહેર જનતા માટે બનાવવામાં આવેલો બ્રિજ એવો તે કેવો નબડો પુરવાર થયો કે, જે 50 વર્ષની જગ્યાએ થોડા જ ગણ્યા ગાંઠ્યા વર્ષમાં જ પોલો સાબિત થયો અને ગાબડાઓ પડ્યા.
કોન્ટ્રાક્ટરો સામે કડકાઈ તેમજ ઉચ્ચ અધિકારીઓ સામે કડકાઈ દાખવવી જોઈએ. શા માટે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા નથી લેવાતા તેને લઈને પણ સવાલ છે.
બ્રિજ મામલે જાણે અગાઉથી જ ઢાંક પિછોડો કરવામાં આવી રહ્યો હોય તેમ લાગે છે. બ્રિજ મામલે નિષ્પક્ષ કાર્યવાહી થાય તે પણ જરુરી છે. જેમાં દરેક નાનાથી લઈને મોટા અધિકારીઓ સામું કડકાઈ કરવી જોઈએ. જેથી કરીને બીજીવાર લોકોના ટેક્સના રુપિયાથી બનાવવામાં આવેલ બ્રિજ કે રોડ, રસ્તાની આવી સ્થિતિ ન થાય.