નવા સંસદ ભવનના લોકાર્પણ મુદ્દે ગુજરાતમાં રાજનીતિ તેજ બની છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
સંસદ ભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરનારા વિપક્ષના નેતાઓ પર દેશના ભાજપના નેતાઓ દ્વારા નિશાન તાકવામાં આવી રહ્યું છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે. આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ કે નહી તેમ તેમણે કહ્યું હતું. આ સાથે તેમણે વિપક્ષને લોકતંત્ર વિરોધી ગણાવ્યું હતું.
તેમણે આ મુદ્દે વિપક્ષ પર નિશાન સાધતા વધુમાં કહ્યું હતું કે, પીએમ મોદીએ વિદેશની ધરતી પર દેશનું ગૌરવ વધાર્યું છે. અગાઉ વિપક્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ભારે વિરોધ કર્યો હતો. આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ કેમ કે, સંસદ આપણા માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. વિપક્ષે દેશમાં અનેક નિર્ણયોનો વિરોધ કર્યો છે. આવનાર દિવસોમાં આપણું સપનું પૂર્ણ થશે. રામ મંદિરનો વિરોધ કરવામાં કેટલાક નેતાઓ નથી ચુકતા. તેમ તેમણે કહ્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આજે આ મામલે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, 19 વિપક્ષી દળોના વિરોધનો નિર્ણય નિંદનીય છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, વિપક્ષનો નિર્ણય અપમાનજનક અને લોકતાંત્રિક મૂલ્યો પરનો હુમલો છે.