અમદાવાદમાં વહેલી સવારથી જ ક્લાઉડી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજથી છૂટાછવાયા ઝાપટા અમદાવાદમાં પડી શકે છે. 7 દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક તરફ વરસાદની કોઈ સિસ્ટમ સક્રીય નથી થઈ. તે છતાં પણ વરસાદી માહોલ જામી શકે છે. ચોમાસું વિત્યાને 1.5 મહિના આસપાસનો સમય થઈ ગયો છે ત્યારે ચોમાસું બેઠા બાદ વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ફરી એકવાર હળવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે.
અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત નવસારી, વલસાડ, તાપી, દમણ, દાહોદ, સાબરકાંઠા, મહિસાગર, જૂનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ સહીતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર આગામી 72 કલાકમાં અમદાવાદ સહીત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. મહાનક્ષત્ર બેસી રહ્યું હોવાથી મંગળની રાશિમાં પરીવર્તન આવશે તેમ તેમણે નક્ષત્ર પ્રમાણે કહ્યું હતું. હિંમતનગરના ભાગોમાં, બાયડના ભાગોમાં હળવો વરસાદ રહેશે જ્યારે દાહોદ, ગોધરા, કપડવંજ, ખેડા, આણંદના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ પડી શકે છે. આમ ઉત્તર અને મધ્યગુજરાતમાં સારો એવો વરસાદ ખેતીલાયક થશે. તેમ તેમણે કહ્યું હતું.