એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી જીવ બચાવી સરાહનીય કામગિરી કરી હતી. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ કર્મીના આ પ્રયાસના વખાણ કર્યા હતા. આ વીડિયો પણ સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાત પોલીસને આપવામાં આવેલ સીપીઆર તાલીમ થકી લોકોને નવજીવન મળી રહ્યું છે તેનું તાદ્રશ્ય ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું હતું. અમદાવાદના તપોવન સર્કલ પાસે વિસનગર-કેશોદ એસ.ટી.બસ રૂટના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા ફરજ સ્થળે હાજર પોલીસ અને ટ્રાફીકના જવાને પોતાની સતર્કતાથી સીપીઆર આપીને એસ.ટી.કર્મીને નવજીવન આપ્યું છે. ખાસ કરીને પોલીસના જવાનોને આ કારણથી સીપીઆરની તાલિમ આપવામાં આવી રહી છે. કેમ કે, તેઓ સતત ડ્યુટી પર હોય છે ત્યારે આ પ્રકારની ઘટના ઘટીત થાય તો લોકોનું જીવન બચાવી શકે છે.
આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસને આપવામાં આવેલ સીપીઆર તાલીમ થકી લોકોને મળી રહ્યું છે નવજીવન! અમદાવાદના તપોવન સર્કલ પાસે વિસનગર-કેશોદ એસ.ટી.બસ રૂટના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ફરજ સ્થળે હાજર પોલીસ જવાને પોતાની સતર્કતાથી સીપીઆર આપીને એસ.ટી.કર્મીને નવજીવન આપ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ફરજનિષ્ઠ પોલીસ જવાનને તેમના માનવીય કર્મ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલ સીપીઆરની તાલીમ આજે હૃદયરોગના પ્રાથમિક અને ત્વરિત પગલાં તરીકે લોકોનું જીવન બચાવવા માટે મદદરૂપ થઈ રહી છે. તેમ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અવારનવાર ડૉક્ટરની મદદથી પોલીસ કર્મીઓને કેવી રીતે સીપીઆર આપવું તેની તાલિમ આપવામાં આવે છે ત્યારે ખરા અર્થમાં આ તાલિમ લોકોના જીવન બચાવવા માટે ખૂબ જ સાર્થક થઈ રહી છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા લોકો પણ આ પ્રયાસના વખાણ કરી રહ્યા છે . .