જ્યારથી એલન મસ્ક ટ્વીટર એટલે કે X ના માલિક બન્યા છે, યાદ પણ નથી રહેતું કે તેમણે આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર કેટલા બદલાવ કર્યા છે. હવે તેમણે Xને લઈને એક નવી જાહેરાત કરી છે. મસ્કે કહ્યું કે ટૂંક સમયમાં જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બ્લોકિંગ ફીચર હટાવી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે તમે X પર કોઈને પણ બ્લોક કરી શકશો નહીં.
એલન મસ્કએ શુક્રવારે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે X પર ડાયરેક્ટ મેસેજ સિવાય બ્લોક ફીચર પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી રહ્યું છે. એટલે કે, તમે કોઈને માત્ર ડાયરેક્ટ મેસેજમાં જ બ્લોક કરી શકશો પરંતુ તેને X પર સંપૂર્ણ રીતે બ્લોક નહીં કરી શકો. મસ્કે કહ્યું કે X પર આ ફીચરની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે હવે યુઝર્સને અહીં બ્લોકને બદલે માત્ર મ્યૂટ ઓપ્શન મળશે. કેટલાક યુઝર્સનું માનવું છે કે બ્લોકિંગ ફીચર હટાવ્યા બાદ હેરેસમેન્ટના કેસમાં વધારો થઈ શકે છે.
મ્યૂટ અને બ્લોક વચ્ચે શું તફાવત છે
X એ પોતાના સપોર્ટ પેજ પર જણાવ્યું કે X માં લોકોના અનુભવને સુધારવા માટે ઘણા બધા ટૂલ્સ ઉપલબ્ધ છે. X પર યુઝર્સને હાલમાં મ્યૂટ અને બ્લોક જેવી બે સુવિધાઓ મળે છે. મોટાભાગના લોકોને આ બે સુવિધાઓ સમાન લાગે છે પરંતુ બંને વચ્ચે મોટો તફાવત છે. એકાઉન્ટ બ્લોક કરવાથી તે એકાઉન્ટ સાથેનો કોન્ટેક્ટ ખતમ થઈ થાય છે. બ્લોક કરવાથી તે એકાઉન્ટ પર ન તો કોઈ પ્રકારનો મેસેજ મોકલી શકાશે અને ન તો તે એકાઉન્ટની ટ્વીટ વાંચી શકાશે.
બીજી તરફ, જ્યારે તમે કોઈને મ્યૂટ કરો છો, ત્યારે તે એકાઉન્ટમાંથી કરવામાં આવેલી પોસ્ટ તમારા ફીડમાં છુપાઈ જાય છે. પરંતુ, જ્યારે જરૂર પડે ત્યારે તમે તે યુઝરની પોસ્ટ વાંચી શકો છો અને તેનો જવાબ પણ આપી શકો છો.