અંગ દાન મહા દાન: રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલને અધુ એક ત્વચાદાન મળ્યું અવસાન પામેલા હરસુખભાઈ ચોલેરાના પરિવારનો ત્વચાદાનનો સ્તુત્ય નિર્ણય: મેજર બર્ન્સ, ટ્રોમા તથા અન્ય દર્દીઓને બાયોલોજિકલ ડ્રેસિંગ માટે ઉપયોગી થશે રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલને તાજેતરમાં વધુ એક ત્વચાદાન મળેલ છે. અવસાન પામેલ હરસુખભાઈ ચોલેરાના પરિવારે તેમના નશ્વર દેહનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો, આથી તેમના પુત્ર મયુરભાઈ ચોલેરાએ તેમના પિતાજીના અવસાન બાદ તાત્કાલિક પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલની સ્કીન બેંકનો સંપર્ક કર્યો અને સ્કીન બેંકની ટીમે તાત્કાલિક હાજર થઈ સ્વ. હરસુખભાઈ ચોલેરાની સ્કીનનું હાર્વેસ્ટિંગ કરી સ્કીન ડોનેશનમાં મેળવી હતી. આ સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે તથા ટ્રોમા દર્દીઓ અને અન્ય દર્દીઓના બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ તેમની સ્કીનનો ઉપયોગ થઈ શકશે. રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ત્વચાદાન જાગૃતિ માટે તબીબી અધિક્ષક ડો. આર એસ ત્રિવેદી તથા હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી માકડીયા સતત પ્રયત્નશીલ છે, તેમના સક્રિય સહયોગ તથા લોકજાગૃતિને લીધે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટને અંગદાન તથા ત્વચાદાન માટે જાગૃત નાગરિકોનો સતત પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.