જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 116 સીપીઆર ટ્રેનિંગ માં 18,000 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. આ અભિયાન હેઠળ 2 સપ્ટેમ્બર 2023 રોજકુમકુમ સ્કૂલ ખાતે CPR ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.
આજે સામાન્ય માણસ હોય કે કોઈ મોટા સેલિબ્રિટી, તેઓ નાની ઉંમરે પણ ‘કાર્ડિએક એરેસ્ટ’ (હૃદયનું કામચલાઉ ખૂબ ધીમું અથવા બંધ પડી જવું) ના ભોગ બને છે. તેઓને CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 ટકાથી પણ વધુ વધી જાય છે. આ પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે તેનાથી હૃદયના ધબકારા પાછા શરુ થાય છે અને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
CPR પ્રક્રિયા એટલે કે કાર્ડીઓપલ્મોનરી રિસસીટેશન જેમાં હાર્ટ એટેકના દર્દીને બચાવવા કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતીમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે જીસીએસ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો. આસ્થા નાયક પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવ્યું હતું. કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકીએ. 500 થી વધુ વિદ્યાર્થીઓએ આ ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.