મોરોક્કોમાં શુક્રવારે રાત્રે આવેલા ભયાનક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦૩૭ લોકોના મોત થયા છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે ઐતિહાસિક શહેર મારકેશથી એટલાસ પર્વત પર સ્થિત ગામો સુધી ઘણી ઇમારતોને નુકસાન થયું હતું. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે વહેલી સવારે કહ્યું કે, ભૂકંપના કારણે ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું હતુ કે, મોટા ભાગનું નુકસાન શહેરો અને નગરોની બહાર થયું છે. તલત એન’યાકુબના નગરના વડા, અબ્દેરહમાન એત દાઉદે મોરોક્કન ન્યૂઝ સાઇટ ‘2M’ને જણાવ્યું હતું કે, અલ હૌઝ પ્રદેશના નગરોમાં ઘણાં મકાનો આંશિક અથવા સંપૂર્ણ રીતે તૂટી પડ્યાં છે, કેટલાક સ્થળોએ વીજ પુરવઠો બંધ છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે.
એત દાઉદે જણાવ્યું હતું કે, ‘સત્તાવાળાઓ પ્રાંતમાં રસ્તાઓ સાફ કરી રહ્યા છે જેથી એમ્બ્યુલન્સ પસાર થઈ શકે અને અસરગ્રસ્ત વસ્તીને સહાય પૂરી પાડી શકે.’ તેમણે કહ્યું કે, ‘પર્વત પર સ્થિત ગામો વચ્ચેના અત્યંત અંતરને કારણે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં સમય લાગશે. મોરોક્કોના લોકોએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં ઈમારતો ધરાશાયી થઈને કાટમાળ થઈ ગઈ છે અને ચારેબાજુ ધૂળ દેખાઈ રહી છે. મોરોક્કોના ઐતિહાસિક શહેર મારાકેશની આસપાસની પ્રખ્યાત લાલ દિવાલોના ભાગોને નુકસાન થયું છે.
મારાકેશ યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સામેલ છે.’ યુએસ જિયોલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું હતું કે, રાત્રે ૧૧:૧૧ વાગ્યે આવેલા ભૂકંપની પ્રારંભિક તીવ્રતા ૬.૮ હતી અને આફ્ટરશોક્સ કેટલીક સેકન્ડો સુધી ચાલુ રહ્યા હતા. મોરોક્કોના નેશનલ સિસ્મિક મોનિટરિંગ એન્ડ વોર્નિંગ નેટવર્કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭ માપી હતી. યુએસ એજન્સીએ ૧૯ મિનિટ પછી ૪.૯ તીવ્રતાના ભૂકંપના આફ્ટરશોકની જાણ કરી હતી. યુએસજીએસએ જણાવ્યું હતુ કે, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૧૮ કિલોમીટરની ઊંડાઈ પર હતું, જ્યારે મોરોક્કન એજન્સીના જણાવ્યા અનુસાર, તેનું કેન્દ્રબિંદુ આઠ કિલોમીટરની ઊંડાઈ પર હતું. શુક્રવારે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતની ટોચ પર હતું, જે મારકેશથી લગભગ ૭૦ કિલોમીટર દક્ષિણમાં હતું. ઉત્તર આફ્રિકામાં ધરતીકંપો પ્રમાણમાં ભાગ્યે જ આવે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયોફિઝિક્સના સિસ્મિક મોનિટરિંગ અને ચેતવણી વિભાગના વડા લહકાન મ્હાન્નીએ ‘2M’ ટીવીને જણાવ્યું હતુ કે, આ ભૂકંપ ‘અભૂતપૂર્વ’ હતો . તેમણે કહ્યું, ‘આ તીવ્રતાના ભૂકંપ સામાન્ય રીતે પર્વતીય વિસ્તારોમાં આવતા નથી. આ પ્રદેશમાં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે. ૧૯૬૦માં મોરોક્કોના અગાદિર શહેરની નજીક ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હજારો લોકોના મોત થયા હતા. આ ભૂકંપ પછી મોરોક્કોમાં બાંધકામના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણી ઇમારતો, ખાસ કરીને ગામડાઓમાં ઘર ભૂકંપ પ્રતિરોધક નથી.’ પોર્ટુગીઝ ઈન્સ્ટીટ્યુટ ફોર સી એન્ડ એટમોસ્ફિયર અને અલ્જીરીયાની સિવિલ પ્રોટેક્શન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપ પોર્ટુગલ અને અલ્જીરીયા જેટલો દૂર સુધી અનુભવાયો હતો.