ગુજરાત સરકાર રાજયમાં હાઉસિંગ સોસાયટીઓના નિયમન અને કામગીરીમાં સુધારો કરવા માટે વિધાનસભાના આગામી સત્રમાં બિલ રજૂ કરે તેવી શક્યતા છે. સૂચિત કાયદો હાઉસિંગ સોસાયટીઓને લગતા વિષયો અને વિવાદોની વિશાળ શ્રેણી પર સ્પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે તેવી અપેક્ષા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રેસિડેન્શિયલ સોસાયટીઓ હાલમાં રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવની માર્ગદર્શિકા દ્વારા સંચાલિત થાય છે પરંતુ તે ઘણા મુદ્દાઓથી ઘેરાયેલી છે જે ઘણીવાર સભ્યો વચ્ચે વિવાદ તરફ દોરી જાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સૂચિત કાયદામાં શાસનની બાબતો, ચૂંટણીઓ, સમિતિના સભ્યોની નિમણૂક, રહેણાંક એકમોના વેચાણમાં વિવાદો, સોસાયટીઓના એકાઉન્ટ્સનું ઓડિટ અને ફાયર સેફટી, ડ્રેનેજ અને તેના જેવા સરકારી ધોરણોનું પાલન સહિતના પાસાઓ આવરી લેવામાં આવશે.’
‘સૂચિત કાયદાનો ડ્રાફટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને હાઉસિંગ સોસાયટીઓ સંબંધિત છે તેવા વિવિધ વિભાગો પાસેથી ઇનપુટ્સ માંગવામાં આવી રહ્યા છે. આ બિલ આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઉસિંગ સોસાયટીઓના પ્રશ્નોના નિરાકરણ માટે એક ઓથોરિટીની રચના કરવામાં આવે તેવી શક્યતા છે. હાઉસિંગ સોસાયટીઓની કામગીરી કૃષિ અથવા અન્ય સહકારી મંડળીઓ કરતા અલગ છે. વસ્તીનો એક મોટો વર્ગ હાઉસિંગ સોસાયટીઓની કામગીરી સાથે સીધો જોડાયેલો છે. તેમની કામગીરી પર દેખરેખ રાખવા માટે એક ઓથોરીટી રચવાનું ડ્રાફટ બિલમાં કહેવાયું છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઓથોરીટી હાઉસિંગ સોસાયટીઓને વધુ સારી રીતે નિપટાવી શકે છે.
હાઉસિંગ સોસાયટીઓનું પ્રમાણ ઘણું વધારે છે, અને એવું નોંધવામાં આવ્યું છે કે સહકારી રજિસ્ટ્રારની ઓફિસ પાસે હાઉસિંગ સોસાયટીઓને લગતી બાબતોનું સંચાલન કરવા માટે માનવબળ નથી.’ વળી, ઘણી એવી રહેણાંક હાઉસિંગ સોસાયટીઓ છે જેમના હિસાબોનું વર્ષોથી ઓડિટ થયું નથી.