હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. IMD એ આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. જો તે ચક્રવાત બનશે તો માઈચોંગ વાવાઝોડું (Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે. ત્યારે હાલ ગુજરાત પર પણ સંકટના વાદળા ઘેરાયેલા છે. આ મોઈચોંગ વાવાઝોડાથી ગુજરાતને શું અસર થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપ્યું છે.
સાઈક્લોનિક સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં એક તરફ ઠંડીનો ચમકારો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવો અને છુટાછવાયા વરસાદની આગાહી છે.
મોઈચોંગ વાવાઝોડું કેટલુ શક્તિશાળી હશે
ચક્રવાત માઈચોંગ ( Michaung ) 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. જેની અસરના ભાગરૂપે ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે. IMD એ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે હાલ તમિલનાડુ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે.
આવતીકાલે ક્યા વરસાદની આગાહી
મોઈચિંગ વાવાઝોડાની વાતાવરણમાં ગતિવિધિ દરમિયાન ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં ઠંડીનો પારો ડાઉન પણ થઈ શકે છે. અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામા વિભાગ દ્વારા આજે અને કાલે ગુજરાતમાં માવઠાની ફરીથી આગાહી કરાઈ છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની આગાહી છે. તો વડોદરા, ભરૂચ, નર્મદામાં પણ વરસાદ આવી શકે છે. આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધશે.
