PM મોદી રશિયાની મુલાકાત બાદ બુધવારે ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આ એવા ભારતીય પીએમ છે જે 41 વર્ષ પછી ઓસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી ઓસ્ટ્રિયા પહોંચતાની સાથે જ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની બરાબરી પર આવી ગયા છે.
વડાપ્રધાન મોદી પહેલા ઈન્દિરા ગાંધીએ 1983માં ભારતીય પીએમ તરીકે ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. ખાસ વાત એ છે કે પીએમ મોદી એવા સમયે વિયેનામાં છે જ્યારે ભારત અને ઓસ્ટ્રિયા પોતાના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદીએ તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “મને ખુશી છે કે મને મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં ઓસ્ટ્રિયાની મુલાકાત લેવાની તક મળી. મારું અહીં આવવું ઐતિહાસિક અને વિશેષ બંને છે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે. આ એક સુખદ સંયોગ ગણાશે કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા પરસ્પર સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે.
ઓસ્ટ્રિયાની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાનનો ઉલ્લેખ કરીએ તો નેહરુનું નામ સૌથી પહેલા આવે છે. વાસ્તવમાં, 1949માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા પછી, પંડિત જવાહરલાલ નેહરુએ વડાપ્રધાન પદ સંભાળીને 1955માં ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી.
જવાહરલાલ નેહરુ પછી અને મોદી પહેલા ઈન્દિરા ગાંધીએ 1971માં ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી જ્યારે તેઓ વડાપ્રધાન હતા. નવ વર્ષ પછી, 1980માં તત્કાલીન ઑસ્ટ્રિયન ચાન્સેલર બ્રુનો ક્રેઇસ્કી ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પછી, ઈન્દિરા ગાંધીએ 1983માં ફરીથી ઑસ્ટ્રિયાની મુલાકાત લીધી, જેના પછી, 1984માં ઑસ્ટ્રિયાના તત્કાલીન ચાન્સેલર ફ્રેડ સિનોવિટ્ઝે ફરીથી ભારતની મુલાકાત લીધી.
1983માં ઈન્દિરા ગાંધીની ઓસ્ટ્રિયાની મુલાકાત પછી મોદીની મુલાકાત સુધી કોઈ વડાપ્રધાને વિયેનાની મુલાકાત લીધી ન હતી. વડાપ્રધાન કક્ષાએ ભારત તરફથી આ ત્રીજી મુલાકાત છે. જોકે, તેને ચોથો સમયગાળો પણ કહી શકાય, કારણ કે ઈન્દિરા ગાંધીએ બે વખત ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે રાષ્ટ્રપતિ, મંત્રીઓ, સાંસદો અને નેતાઓના સ્તરે અવારનવાર મુલાકાતો થતી રહી છે.