પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. પોલીસ ભરતી અંગે અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. પોલીસમાં ભરતી અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. એ વખતે એ ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા હતા, અને આપણે ઉનાળા અને ચોમાસાના કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા, એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી.
અરજીની વિગતો આપતા હસમુખ પટેલે કહ્યું કે એપ્રિલમાં PSI માટે ૪.૪૭ લાખ અરજીઓ, લોકરક્ષક માટે ૯.૭૦ લાખ અરજી આવી હતી. આ પછી બીજા તબક્કામાં PSI માટે ૫૧૮૦૦ અરજીઓ અને લોકરક્ષક માટે ૧.૩૫ લાખ અરજી આવી છે. તો બંને તબક્કા મળીને અત્યાર સુધીમાં PSI માટે ૪.૯૯ લાખ જેટલી અરજી અને લોકરક્ષક માટે ૧૧.૦૫ લાખ અરજીઓ મળી છે. હવે નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. સૌથી પહેલા PSIની પરીક્ષા ૨ પેપર લેવામાં આવશે. PSIની ૨ લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરિક્ષા પછી તરત જ PSIની લેખિત પરીક્ષા લેવાશે. PSIની ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.