નરોડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. નોબલનગર વિસ્તારના અનસુયા નગર, બીડી કામદારનગર, અને વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાનો ઉકેલ ન આવવાના કારણે લોકોમાં ભારે રોષ છે.
સ્થાનિક લોકો છેલ્લા ૧૫ વર્ષથી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વખત કોર્પોરેટરો અને ઉત્તર ઝોનના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ધક્કા ખવડાવે છે. ગટરો ઉભરાય છે, ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને અમારા છોકરાઓ બીમાર પડી જાય છે.
રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્યની ઓફિસ પર વિરોધ પ્રદર્શન કરીને ચીમકી આપી હતી કે, ‘જ્યાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી.’ સ્થિતિ વણસતા ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા તાત્કાલિક નોબલ નગર ખાતે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે મશીનરી બોલાવીને ડ્રેનેજની સફાઈની કામગીરી શરૂ કરાવી હતી.
આ વલણને ગંભીરતા લેવાના બદલે ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીએ આક્ષેપ કર્યો કે ડ્રેનેજની સફાઈની કામગીરી ચાલુ કરાવી દીધા છતાં પણ કોંગ્રેસે સ્થાનિકોને સાથે રાખીને રાજકીય વિરોધ ચાલુ રાખ્યો હતો.
