શહેરમાં ટ્રાફિકથી ધમધમતો એક બ્રિજ નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રખાશે.
અમદાવાદનો ટ્રાફિકથી ભરચક રહેતો શાસ્ત્રી બ્રિજ હવે જૂનો થઈ ગયો હોવાથી તેના સમારકામની જરૂર પડી છે. બ્રિજની મજબૂતી જાળવી રાખવા માટે તેના 15 વર્ષ જૂના 180 બેરિંગ બદલવા પડશે. આ સમારકામના કારણે નવેમ્બર મહિનાથી શરૂ કરીને આગામી 5 મહિના સુધી બ્રિજનો નારોલથી વિશાલા તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ રહેશે.જેને લઈ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યું છે.
ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર: આ વાહનો અવર-જવર માટે વિશાલાથી નારોલ તરફના બ્રિજનો ઉપયોગ કરી શકશે. એટલે કે, બ્રિજના એક ભાગ પરથી બંને તરફનો ટ્રાફિક ચલાવવામાં આવશે.
મોટાં વાહનો (ટ્રક, બસ વગેરે): હાલમાં પણ મોટાં વાહનો માટે બ્રિજ પર પ્રવેશ પ્રતિબંધિત છે. આ વાહનોએ દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા તરફથી જવું પડશે.
આ બ્રિજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ આવવા-જવા માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. તેના પર રોજના લાખો વાહનોની અવરજવર રહે છે. નોંધનીય છે કે આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલાં પણ થયું હતું, પરંતુ ત્યારે માત્ર ઉપરના રસ્તા (સરફેસિંગ)ની કામગીરી જ કરવામાં આવી હતી.
