પોલીસ તંત્રના એવા જાંબાઝ અને કાર્યદક્ષ અધિકારી, જેના નામમાત્રથી દેશદ્રોહી તત્વો, ગેંગસ્ટરો, ડ્રગ્સ માફીયાઓ અને જાહેરમાં કાયદાની એસીતેસી કરનારાઓ ફફડી ઉઠતા હતા, એક સમયે અમદાવાદના જુહાપુરાના ખૂંખાર અપરાધીઓ તેમના નામમાત્રથી ધ્રૂજતા. તેવા એડિશનલ ડીજીપી લેવલના આઇપીએસ અધિકારી શ્રી અભયસિહ ચુડાસમા વયમર્યાદાના કારણે આજે પોલીસ તંત્રને અલવિદા કહી રહ્યા છે. હાલમાં કરાઈ ખાતે પોલીસ એકેડમીના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા આ અધિકારીની નિવૃત્તિથી ગુનેગારો, આંતરરાષ્ટ્રીય અપરાધીઓ અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરનારાઓને ડામવાની ક્ષમતા ધરાવતા પોલીસ તંત્રને મોટી ખોટ પડી હોવાનું જાણકારો સ્પષ્ટપણે માની રહ્યા છે.
ગુજરાત પોલીસના સુપર કોપ અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે પ્રસિધ્ધિ પામેલા શ્રી અભયસિહ ચુડાસમાની કારકિર્દી કોઈ બોલીવુડની કથાથી જરાય ઉતરતી નથી, પરંતુ તેનાથી પણ અનેકગણી ચઢિયાતી છે.
ક્રાઇમ બ્રાન્ચ, એસીબી અને એટીએસમાં ‘મેન ઓફ ઈમરજન્સી’ તરીકે છવાયા
જ્યારે પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, ત્યારે ૧૯૯૮ બેચના (કેટલાક અહેવાલ ૧૯૯૯ બેચ) આ આઇપીએસ અધિકારીને મેન ઓફ ઈમરજન્સી તરીકે પોસ્ટિંગ આપવાની પરંપરા જેવું બની ગયું હતું.
એસીબીમાં સફાઇ
એસીબીમાં મોટા માથાઓ સામેની ધીમી તપાસને ગતિ આપવા માટે તેમને ડેપ્યુટી ડાયરેક્ટર, એસીબી તરીકે મૂકવામાં આવ્યા, જ્યાં તેમણે હિમતપૂર્વક તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ધાકઃ અમદાવાદના ચોક્કસ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસતા, તેમને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા. અહીં તેમણે વિવિધ ગેંગ વોર અટકાવી, ખંડણીખોરો સામે જંગ માંડ્યો. પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરનારા અપરાધીઓને તેમની ભાષામાં ‘બુલેટનો જવાબ બુલેટ’ વડે આપીને જડબેસલાક બ્રેક લગાવી. પ્રજા આ મર્દાનગીભરી કામગીરીથી ખુશ થઈ, પણ સમય સંજોગો અનુસાર તેમની કસોટી પણ થઈ, જેમાં આખરે અદાલત દ્વારા તેમને ન્યાય મળ્યો.
એટીએસમાં સાડા સાત વર્ષઃ તેમની સોલિડ ધાકને ધ્યાને રાખીને તેમને એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) માં મૂકવામાં આવ્યા. અહીં તેમની શક્તિ રંગ લાવી અને વિવિધ સ્લીપર સેલ, સિમી જેવા સંગઠનો પર તવાઈ બોલાવી. તેમણે ગુજરાત બહાર છુપાયેલા આંતરરાષ્ટ્રીય અપરાધીઓને પણ મુંબઈ પહોંચીને પકડ્યા હતા. તેમની મજબૂત પકડ જોતા સરકારે તેમને સાડા સાત વર્ષ સુધી એટીએસમાં ચાલુ રાખ્યા હતા.
૨૦૦૮ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ માત્ર ૧૯ દિવસમાં ભેદ ઉકેલ્યો
અભયસિહ ચુડાસમાની કારકિર્દીનો સૌથી મોટો સિહફાળો ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કેસમાં હતો. આ મામલાની તપાસ તત્કાલીન આઇપીએસ આશિષ ભાટિયાને સુપ્રત થતા, તેમણે પોતાની ટીમના સેનાપતિ તરીકે તુરંત અભયસિહ ચુડાસમાની માંગણી કરી.
ગુજરાત પોલીસની આ જાંબાઝ ટીમે ફકત ૧૯ દિવસમાં બોમ્બ બ્લાસ્ટનો ભેદ ઉકેલી નાખ્યો, અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોના આદરોપીઓને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
આ ઐતિહાસિક કેસમાં ૩૮ લોકોને ફાંસી અને ૧૧ લોકોને આજીવન કેદની સજા થઈ, જે દેશના ઇતિહાસની પ્રથમ ઘટના હતી અને ભોગ બનનારા લોકોના પરિવારને ન્યાય અપાવ્યાનો સંતોષ આ અધિકારીને થયો હતો.
સ્વૈચ્છિક નિવૃત્તિની વિનંતી અને રાજ્ય સરકારનો ઈનકાર
પોતાની લાંબી કારકિર્દી દરમિયાન રાત-દિવસ સતત ફરજ બજાવવાને કારણે પરિવાર કે સમાજને જોઈએ તેટલો સમય ન ફાળવી શકવાના કારણે, અભયસિહ ચુડાસમાએ નિવૃત્તિના ૧૧ માસ વહેલા (નિવૃત્તિ ઓક્ટોબર ૨૦૨૫ પહેલા) પોતાને મુક્ત કરવા સ્વૈચ્છિક નિવૃત્તિ માટે વિનંતી કરી હતી. પરંતુ રાજ્ય સરકારે આવા કાર્યદક્ષ અધિકારીને ગુમાવવા ન માંગતા તેમની વિનંતી સ્વીકારી ન હતી. જોકે, પ્રાપ્ત છેલ્લા અહેવાલ મુજબ, તેમની નિવૃત્તિની અરજીને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે, અને આ સુપર કોપ આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ બાદ તેઓ રાજકારણમાં ન જોડાઈને સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
ગુનેગારો અને આંતકવાદીઓ સામે ઝઝૂમનારા આ જાંબાઝ અધિકારીની ખોટ પોલીસ તંત્રને લાંબા સમય સુધી વર્તાશે તે નિヘતિ છે.(૪૦.૨૬)
પોલીસ એકેડમીમાં ક્રાંતિઃ ભાવિ સિપાહીઓના ગુરુ
પોલીસ તંત્રના પાયાની તાલીમ એટલે પોલીસ અકાદમી, કરાઈ. પોલીસને નિડર, જાંબાઝ, દેશપ્રેમ જેવા સંસ્કારો આપવાની આવશ્યકતા જણાતા, સરકારે ખૂબ મનોમંથન પછી કરાઈ પોલીસ અકાદમીના પ્રિન્સિપાલ તરીકે એડી. ડીજી લેવલે અભયસિહ ચુડાસમાને જવાબદારી સોંપી. અહીં તેમણે ધરમૂળથી ફેરફાર કર્યા. તાલીમમાં શિસ્તની સાથે ભાવિ સિપાહીઓ માટે આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ફૂડની વ્યવસ્થા કરી, આરોગ્યની નિયમિત તપાસ શરૂ કરાવી અને જૂના મેન્યુઅલમાં સુધારા કર્યા. તેમના જેવા ગુરુ મળવાને નવી પેઢીના ઘણા સિપાહીઓ આજે પણ ધન્યતા અનુભવે છે.
શૌર્યની શરૂઆતઃ ભરૂચથી એટીએસ સુધીની ગાથા
મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના વતની અને સાયન્સનો અભ્યાસ કરનાર, ૧૯૯૧માં ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે કારકિર્દી શરૂ કરનાર આ જાંબાઝ અધિકારીનું પહેલું પોસ્ટિંગ જ ખૂબ કસોટીરૂપ ભરૂચ જિલ્લામાં થયું હતું. ભરૂચના સંવેદનશીલ વિસ્તારો, જ્યાં પોલીસ જવાની પણ હિમત નહોતી કરતી, ત્યાં અભયસિહ ચુડાસમાએ પોતે આગેવાની લઈને પોલીસમાં હિમતનો સંચાર કર્યો અને માથાભારે તત્વોને કુશળતાપૂર્વક કાબૂમાં લીધા. આ સિંઘમ અધિકારીએ પોલીસ શું કહેવાય તેનું ભાન કરાવ્યું. તેમની આ કાર્યપદ્ધતિ થરાદ અને રાજપીપળા જિલ્લામાં પણ ચાલુ રહી.
ગાંધીનગર સુધી તેમની ચર્ચા પહોંચતા, દરિયાકાંઠાની અને ગુન્હાખોરી ધ્યાને રાખીને તેમને વલસાડ એસપી તરીકે નિયુક્ત કરાયા. અહીં તેમના નેતૃત્વમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ, ડ્રગ્સ અને હથિયારના સોદાગરોનું નેટવર્ક છિન્નભિન્ન કરી નાખ્યું.
