અમદાવાદ: અમદાવાદના અમરાઈવાડી ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાના લોકસંપર્ક કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વરિષ્ઠ નાગરિકો માટે AMTS/BRTSની નિઃશુલ્ક મુસાફરીના પાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી વરિષ્ઠ નાગરિકોને જાહેર પરિવહનની સુવિધાનો લાભ વધુ સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
‘જનસેવા, જનસંપર્ક અને જનકલ્યાણ’નો સંકલ્પ
કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ જનસેવા, જનસંપર્ક અને જનકલ્યાણના સંકલ્પ સાથે સતત લોકોની વચ્ચે રહી સેવા કરવાનો પ્રયાસ વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે લોકસંપર્ક કાર્યાલયના માધ્યમથી સ્થાનિક નાગરિકોના પ્રશ્નો અને જરૂરિયાતોને વધુ નજીકથી સમજવામાં તથા જનસેવાના કાર્યોને વેગ આપવામાં મદદ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભાજપના આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, શહેર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો, ભાજપાના આગેવાનો, સ્થાનિક નગરસેવકો સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ નાગરિકોને AMTS/BRTSના નિઃશુલ્ક મુસાફરીના પાસનું વિતરણ કરવામાં આવતા ઉપસ્થિત નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો
