નવી મુંબઈ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પરથી મુસાફરી કરતા અને ત્યાં પહોંચતા મુસાફરો માટે જાહેર પરિવહન વધુ સરળ અને સસ્તું બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ ઓપરેટર દ્વારા મુંબઈ, નવી મુંબઈ અને પુણે સાથે કનેક્ટિવિટી વધારવા માટે બસ, ટેક્સી, ઓટો અને શટલ સેવાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
સૌથી મહત્વની સુવિધા તરીકે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) વચ્ચે દર કલાકે મફત શટલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. Cityflo, Aarya અને Chalo દ્વારા આ કોમ્પ્લિમેન્ટરી શટલનું સંચાલન કરવામાં આવશે. બંને એરપોર્ટ વચ્ચે મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આ સુવિધા ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે.
₹170થી શરૂ થશે ઈ-બસ સેવા
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) 7 ઓક્ટોબર 2026થી e-Shivai ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરશે. પ્રથમ તબક્કામાં નવી મુંબઈ એરપોર્ટને દાદર, બોરીવલી અને પુણે સાથે જોડવામાં આવશે.
દાદર રૂટ સાયન અને અટલ સેતુ થઈને ચાલશે, જ્યારે બોરીવલી રૂટ મુંબઈ એરપોર્ટ ટર્મિનલ-1, બાંદ્રા અને અટલ સેતુ સાથે જોડાશે. પુણે માટે દરરોજ બે સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકો અને મહિલાઓને ભાડામાં રાહત
12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ National Common Mobility Card (NCMC) સાથે મુસાફરી કરતી મહિલાઓને e-Shivai બસમાં 50 ટકા ભાડાની રાહત આપવામાં આવશે.
થાણે અને નાશિક માટે પણ બસ સેવા
હાલમાં પ્રથમ તબક્કામાં દાદર, બોરીવલી અને પુણેને જોડવામાં આવી રહ્યા છે. થાણે અને નાશિક માટે બસ સેવા નવેમ્બરના મધ્ય સુધીમાં શરૂ કરવાની યોજના છે.
NMMT અને Chalo બસની પણ સુવિધા
નવી મુંબઈમાં મુસાફરો માટે NMMTની A1થી A7 સુધીની સમર્પિત એરપોર્ટ બસ રૂટ્સ કાર્યરત છે, જે ખારકોપર, તારઘર, બેલાપુર, નેરુલ, પનવેલ અને ખારઘર/ખાંડેશ્વર જેવા વિસ્તારોને એરપોર્ટ સાથે જોડે છે. બીજી તરફ Chalo Bus દ્વારા મુંબઈના મરોલ, બાંદ્રા, દાદર અને કોલાબા વિસ્તાર સુધી દરરોજ 21 સેવાઓ ઉપલબ્ધ છે.
ટેક્સી અને ઓટોનો પણ વિકલ્પ
મુસાફરો માટે Uber Go, Uber Premier અને Uber Auto ઉપરાંત પ્રીપેઈડ ટેક્સી, પ્રીપેઈડ ઓટો અને કાર રેન્ટલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. Bharat Taxi 10 ઓક્ટોબરથી 40 જેટલી વાહનોની સમર્પિત ફલીટ સાથે સેવા શરૂ કરવાની છે.
નવી મુંબઈ એરપોર્ટનું ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ નેટવર્ક આગામી વિન્ટર શેડ્યૂલને ધ્યાનમાં રાખીને વિસ્તારી રહ્યું છે. વિન્ટર શેડ્યૂલ 25 ઓક્ટોબર 2026થી 27 માર્ચ 2027 સુધી ચાલવાનો છે. આ વિસ્તૃત કનેક્ટિવિટીથી મુસાફરોને ખાનગી કેબ પરની નિર્ભરતા ઘટાડીને જાહેર પરિવહનના વધુ વિકલ્પો મળી શકે છે.
