અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘોડા કેમ્પમાં પોલીસ હોર્સ રાઈડિંગ કલબ શરૂ કરવામાં આવી છે. જેને પ્રદિપસિંહ જાડેજાએ લીલી ઝંડી બતાવી ફ્લેગ ઑફ કરાવી આ ક્લબનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ મહિનાની એક બેન્ચ પણ શરૂ કરવામાં આવી છે. અહીં ત્રણ-ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે. એક બેંચમાં ૧૦ જેટલાં હોર્સ રાઈડરને અહીં તાલીમ આપવામાં આવશે.
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે પોલીસ દળ માં ૬૦૦ જેટલા અશ્વો સામેલ છે. ૧૩ જિલ્લામાં આ રાઈડિંગ સ્કૂલ શરૂ કરવામાં આવશે. અહીં નોર્મલ ફી રાખવામાં આવી છે અને બેઝિક તેમજ એડવાન્સ તાલીમ આપવામાં આવશે. ૧૩૫ નવા અશ્વો ખરીદવામાં આવશે. જેમાં ૫૦ જેટલાં અશ્વો ખરીદાઈ ગયા છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પહેલા અહીં ઘોડા કેમ્પમાં ટ્રેનિંગ ચાલતી હતી પરંતુ વચ્ચે બંધ કરી દેવાઈ હતી. પરંતુ હવે અહીં જેને પણ અશ્વની તાલીમ લેવી હોય તેઓએ ફોર્મ ભરી જે રીતે બેંચ ફાળવાય તેમ તાલીમ અપાશે. આ હોર્સ રાઈડિંગ ક્લબથી ૭ લોકોએ તાલીમ લઈને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.