અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદ શહેરમાં ૧૫૧ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે ૮ વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે ૧૨ નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ ૧૫૧ વિસ્તારોમાંથી ૮ વિસ્તારોને દૂર કરાતાં આંકડો ૧૪૩ પર પહોંચ્યો હતો. તેની સામે નવા ૧૨ વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો ૧૫૫ પર પહોંચ્યો છે.
નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનમાં ચાર, ઉત્તર પશ્ચિમ ઝોન તથા પશ્ચિમ ઝોનના ત્રણ ત્રણ તથા પૂર્વ તેમ જ ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં વટવા, મણિનગર, ઇસનપુર ઉપરાંત જોધપુર, વેજલપુર, ગોતા, ચાંદખેડા તથા સાબરમતી વિસ્તારોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા ૧૦ ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.