અમદાવાદના જશોદાનગર ખાતે રહેતા મેહુલ વંડીકર વડોદરામાં એન્જીનીયર તરીકે એક કંપનીમાં કામ કરે છે. તેઓ જ્યારે અમરાઈવાડી ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની સાથે હર્ષદ પાટીલ નામનો વિદ્યાર્થી પણ ભણતો હતો. જોકે સ્કૂલ પુરી થયા બાદ તે બંને મળ્યા ન હતા. પણ વર્ષ ૨૦૧૯માં મેહુલભાઈનો ફરી તેમના વિદ્યાર્થી મિત્ર એવા હર્ષદ સાથે ફેસબુક થકી સંપર્ક થયો હતો. બાદમાં બને મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે હર્ષદે જણાવ્યું કે, તે એરપોર્ટ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે નોકરી કરે છે. હર્ષદે મેહુલભાઈને દિલાસો આપ્યો કે, તેઓ ઈન્ડિગો એરમાં એરક્રાફ્ટ એન્જીનિયર તરીકે નોકરી અપાવશે. હર્ષદે તો એવી પણ ડંફાશ મારી કે, તેના પિતાજી આઈબીમાં મોટી પોસ્ટ પર હોવાથી તેમની ઊંચી ઓળખાણથી કાર્ગો ઓફિસર તરીકે સેટિંગ કરાવી આપશે. મેહુલભાઈને આ વાતોમાં રસ પડતા જ હર્ષદે તેનો ફાયદો ઉઠાવી ફોર્મ ભરવાના અને મેડિકલના તથા અમુક સર્ટિફિકેટના એમ કરી પહેલા ૬ લાખ અને બાદમાં ટુકડે ટુકડે ૧૧ લાખ એમ કુલ ૧૭ લાખ પડાવી લીધા હતા. બાદમાં લોકડાઉન આવતા તે સમયનો ફાયદો ઉઠાવી હર્ષદે મેહુલભાઈને જણાવ્યું કે, હાલ કંપનીનું તમામ કામ બંધ છે અને લોકડાઉન ખુલ્યા બાદ ધીમે ધીમે નોકરી ચાલુ થશે. બાદમાં હર્ષદ તેના મિત્ર મેહુલભાઈને વિમાન મારફતે કોલકતા લઈ ગયો હતો.
ત્યાં અમુક ડોક્યુમેન્ટ પર સહીઓ કરવાનું કહીને લઈ ગયો હતો પણ ત્યાં પહોંચતા જ એચ.ઓ.ડી સાહેબ નથી તેમ કહી ડોક્યુમેન્ટ તેને આપીને મેહુલભાઈ ને અમદાવાદ નીકળી જવાનું કહ્યું હતું. હર્ષદ બીજા દિવસે આ કામ પતાવીને આવશે તેમ કહી મેહુલભાઈને પરત મોકલી દીધા હતા. જોકે, બાદમાં દુબઈ ખાતે સર્ટિફિકેટ બનાવવાના હોવાનું કહી તેણે ફરી ૫૦ હજાર પડાવ્યા હતા. જોકે બાદમાં પણ નોકરીનું ઠેકાણું ન પડતા મેહુલભાઇએ ૧૭ લાખ પરત માંગ્યા હતા. જેથી આ હર્ષદે કહ્યું કે, આ બધું લખીને આપવું પડશે.
બાદમાં મેહુલભાઈએ તપાસ કરી તો હર્ષદ ફ્રોડ કરતો હોવાનું સામે આવ્યું હતું. હર્ષદે તેની સાથે ભણતી હેતલ ખાપેકરના પતિને પણ નોકરીની લાલચ આપીને ૧.૫૦ લાખ પડાવ્યા હતા. વધુ તપાસ કરતા હર્ષદે તેમના ફ્લેટમાં રહેતા એક વ્યક્તિના પણ ૭૮ હજાર નોકરીની લાલચ આપીને પડાવ્યા હોવાનું સામે આવતા મેહુલભાઈએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે, રામોલ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.