ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું આજે ગાંધીનગર ખાતે દુઃખદ નિધન થયું છે. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. મહેશ કનોડિયા પાટણના પૂર્વ લોકસભા સાંસદ પણ હતા, લાંબી માંદગી બાદ તેમનું આજે ૮૩ વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતી સિનેમામાં તેમનું યોગદાન લગભગ ચાર દાયકા સુધી રહ્યું છે. તેઓ ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય ગાયક અને સંગીતકાર હતા અને ૩૨ સિંગર્સની અવાજમાં ગીતો ગાઈ શકતા હતા.
નરેશ કનોડિયાને થોડા દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેઓ હજી પણ સારવાર હેઠળ છે. મહેશકુમાર કનોડિયા લોકસભાના સભ્ય હતા, તેઓ ગુજરાતના પાટણ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા.