રવિવારના રોજ 2 જ નવા વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયાં છે. તેની સામે 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ સરવાળે દૂર કરાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા જૂજ છે. આજના માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ઉત્તર તથા ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. તેમાંય નરોડાની એસ.આર.પી. કેમ્પસના ત્રણ બેરેક 2,3 અને 5ના 150 જણાં તથા બોપલની દેવ કુટિર બંગલોઝના પાંચ મકાનોના 30 જણાં માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદ શહેરમાં 102 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 2 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આમ 102 વિસ્તારોમાંથી 12 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 92 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 2 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 94 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં ઉત્તર તથા ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક વિસ્તાર છે. જેમાં બોપલ, તથા નરોડા વિસ્તારોનો સમાવેશ થાય છે