રાજયમાં દિવાળી બાદ સ્કૂલો ખૂલે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ માટેના સૂચનો લેવા સ્કૂલ સંચાલકો અને રાજય સરકાર વચ્ચે વાટાઘાટો થઈ રહી છે. આ મહિનાના અંતમાં શૈક્ષણિક સંસ્થાઓ ખૂલે તે માટેની ગાઈડલાઈન્સ પણ તૈયાર છે. સ્કૂલ સંચાલકો પણ ફરીથી સ્કૂલો શરૂ થાય તે નિર્ણયની તરફેણમાં છે પરંતુ તેઓ વિદ્યાર્થીઓના કોવિડ-૧૯થી સંક્રમિત થવા પર જવાબદારી લેવા ઈચ્છતા નથી.
સ્કૂલ મેનેજમેન્ટનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ રીક્ષા અને અન્ય ટ્રાન્સપોર્ટના સાધનથી સ્કૂલમાં આવે છે, એવામાં સ્કૂલ તથા ઘર માટે ટ્રાવેલિંગ કરવાની સુરક્ષા માટે તેમને જવાબદાર ગણાવી શકાય નહીં. સ્કૂલોએ એમ પણ જણાવ્યું કે, દરેક વિદ્યાર્થીનું બોડી ટેમ્પરેચર ચેક કરવું તે સમય વેડફનારું છે, તેનો એવો પણ મતલબ થાય છે કે સ્કૂલોએ આ કામો માટે વધારે માણસો રાખવા પડશે.
અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ મેનેજમેન્ટ અસોસિયેશનના પ્રેસિડેન્ટ મનન ચોકસી કહે છે શાળા સંચાલકોનો એવો સૂર સંભળાઇ રહ્યો છે કે કહે છે કે, અમે SOPનું પાલન કરીશું. ખાસ મહત્વનું કે એકવાર બાળક સ્કૂલ છોડે તે બાદ તેમના પર સ્કૂલોનું કોઈ નિયંત્રણ હોતું નથી, એવામાં તેઓ સંક્રમિત થાય છે તો સ્કૂલોને જવાબદાર ન ઠેરવી શકાય.
સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિયેશનના વાઈસ-પ્રેસિડેન્ટ જતિન બારડ કહે છે, જયારે થિયેટરોમાં ફિલ્મ જોવા આવનારા લોકો કોરોના સંક્રમિત થાય તો માલિકોને જવાબદાર ઠેરવી શકાય નહી તો વિદ્યાર્થીઓ માટે સ્કૂલોને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય.
ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રેસિડેન્ટ ભાસ્કર પટેલ કહે છે, રાજય સરકારે સ્કૂલોને ફરી ખોલવા માટે SOPના ડ્રાફટીંગમાં અન્ય રાજયોમાં જયાં સ્કૂલો ખુલી છે તેમના અનુભવોને પણ ધ્યાનમાં લેવા જોઈએ.