ભારત સરકારે અનેક એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવા માટે બોલીની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં અનેક કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં અનેક એરપોર્ટની જવાબદારી અદાણી ગ્રુપને મળી હતી.ત્યારે આજથી અમદાવાદ એરપોર્ટની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવી. અદાણી ગ્રુપની કંપની અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AAIAL) દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે બપોરે અમદાવાદ એરપોર્ટનું સંચાલન 50 વર્ષ માટે AAI પાસેથી હસ્તગત કરશે.
ટેન્ડર પ્રક્રિયામાં સૌથી વધુ પેસેન્જર ફી ચૂકવણી અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ સહિત દેશના 6 મોટા એરપોર્ટનું સંચાલન આગામી 50 વર્ષ માટે મેળવવામાં આવ્યું છે. આ તમામ એરપોર્ટના વિકાસનું કામ હવે અદાણી ગ્રુપ કરશે. આ એરપોર્ટ પર પેસેન્જર સુવિધાઓ વધારવાની સાથે તેમની પાસેથી વધારે ચાર્જ વસૂલ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ સાથે જ ફ્લાઈટના ભાડા પણ વધી શકે છે.
અમદાવાદ એરપોર્ટનું ઓપરેશન અને મેન્ટેનેન્સની જવાબદારી સંભાળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ જ તેમની સાથે કામ કરશે. જ્યારે મુખ્ય અધિકારી તરીકે અદાણી ગ્રુપના અધિકારીઓ જ તમામ દેખરેખ રાખશે. જેમાં 180થી વધુ કર્મચારીઓ આગામી 3 વર્ષ સુધી અદાણી ગ્રુપ સાથે કામ કરી શકશે.