અમદાવાદમાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારની સવારે છ વાગ્યા સુધી એટલે કે ૬૦ કલાક માટે કરફ્યુ લાદવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે રાત્રે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ પડશે. આમ હવે વીકેન્ડ કરફ્યુ પછી દરરોજે રાત્રે નવ વાગ્યાથી દરરોજે સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ મુજબ કરફ્યુનો અમલ જારી રહેશે. હવે અમદાવાદમાં શનિવાર અને રવિવારે પણ કરફ્યુ લાગુ પડશે. કરફ્યુ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. બાકીની તમામ દુકાનો બંધ રહેશે.
અમદાવાદમાં આ અગાઉ પહેલી ઓગસ્ટે કરફ્યુ હટાવાયો હતો. હવે કેસો વધવાના પગલે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આમ હવે જો કરફ્યુના સમયગાળા દરમિયાન રાત્રે બહાર દેખાશો તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે.અને ટ્વીટ કરીને પણ માહિતી આપી છે.હવે લાંબા સમય સુધી નાઇટ કરફ્યુ લાગુ પડે તેવી સંભાવના પણ લાગે છે.