ભારત બંધના એલાન સંદર્ભે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઓડીસામાં ટ્રેનો અટકાવવામાં આવી હતી જેને કારણે અનેક ટ્રેનોના રૂટ બદલવા પડયા હતા અને ટ્રેનોની અવરજવરને અસર પડી હતી. તેલંગણાના કામરેડીમાં પરીવહન નિગમના કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ કોલકતાના જાદબપુર રેલ્વે સ્ટેશન પર રેલ્વે પાટા પર વિરોધ પ્રદર્શન કરી ટ્રેનો અટકાવી હતી. પ્રયાગરાજ અને જહાનાબાદમાં પણ ટ્રેનો અટકાવવામાં આવી હતી.
દેશના અનેક રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર આવી કૃષિને લગતા કાળા કાયદાઓ પાછા ખેંચવાની માંગણી કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં ચક્કાજામ પણ કરવામાં આવ્યા હતા. જેને કારણે હાઈવે ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ઠેર-ઠેર પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો. ભારત બંધની અસર દક્ષિણના રાજ્યો અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે.
કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના નેતાઓએ દેખાવો કર્યા હતા. સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી હતી અને કાળા ઝંડા ફરકાવ્યા હતા. ભારત બંધની સૌથી વધુ અસર ૧૧ રાજ્યોમાં જોવા મળી રહી છે. કર્ણાટકના કલબુર્ગીમાં પણ ખેડૂતોએ જોરદાર દેખાવો કર્યાના અહેવાલો મળી રહ્યા છે.
પટણામાં કૃષિ કાનૂન વિરૂદ્ધ બંધના એલાન સંદર્ભે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.