કોરોના સંક્રમણનું પ્રમાણ અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યુ છે. અમદાવાદમાં રોજના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર પણ સજ્જ બન્યુ છે. માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક જ દિવસમાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા 1 લાખ 40 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.
અમદાવાદમાં AMC દ્વારા જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોના કોરોના ટેસ્ટીંગ અને Covid-19 રોકથામની જોગવાઇના ભંગ બદલ ઝોનવાઇઝ દંડની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી સૌથી વધુ દંડ વસુલવામાં આવ્યો હતો જ્યારે સૌથી ઓછો દંડ મધ્ય વિસ્તારમાંથી વસુલવામાં આવ્યો હતો.
AMC દ્વારા શહેરમાં અલગ અલગ ઝોન વાઇઝ 151 ટીમ ઉતારવામાં આવી હતી. આ ટીમે 141 લોકોને માસ્ક વગર પકડી પાડ્યા હતા જેમાંથી 56 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 141 લોકો પાસેથી 1 લાખ 40 હજાર જેટલો દંડ વસુલ કર્યો હતો. AMCએ પશ્ચિમ વિસ્તારમા માસ્ક વગર ફરતા 33 વ્યક્તિઓ પાસેથી એક હજાર લેખે સૌથી વધુ 33,000નો દંડ વસુલ કર્યો હતો.