વોડાફોન હાઉસમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરતા બિલ્ડીંગ બીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રશાંત દિગવાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની વોડાફોન ઈન્ડિયા સર્વિસ પ્રા. લી. માં 70 થી 75 માણસો કામ કરે છે. કંપનીમાં કર્મચારી અને નોકરો સિવાય બીજા કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી.
કંપની તરફથી ઈસ્યુ થયેલા લેપટોપ પર કંપનીના માણસોએ કામ કરવાનું હોય છે. કંપનીએ માર્ચ-2020 થી ઓક્ટોબર-2020 દરમિયાન કુલ 1074 લેપટોપની ખરીદી હતી. જે સ્ટોકમાંથી નવા કર્મચારી આવે તેણે લેપટોપ પ્રોવાઇડ કરવામાં આવતું હતું.
2020નું વર્ષ પૂર્ણ થતું હોઈ પ્રશાંત દિગવાલ સહિતના લોકોએ લેપટોપ સ્ટોકની ગણતરી કરી હતી. જેમાં લીનોવો કંપનીના 76 લેપટોપ ઓછા જણાયા હતા. આ મામલે વોડાફોન ઈન્ડિયા સર્વિસ પ્રા. લી. ના કર્મચારીઓને લેપટોપ બાબતે તેઓ કોઈ કંઈ જાણતા હોય તો જાણકારી માટે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે ગૂમ થયેલા લેપટોપ અંગે કોઈ માહિતી મળી ન હતી.
આ બનાવને પગલે કંપનીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂ.25 હજારનું એક એવા રૂ.19 લાખના 76 લેપટોપની ચોરી અંગે સોમવારે સાંજે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં કંપનીનો જ કોઈ કર્મચારી લેપટોપ ચોરીમાં સંડોવાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.